કોમર્શિયલ ગેસ સિલિન્ડરના વપરાશકારો માટે રાહતના સમાચાર છે. આજથી એટલે કે, 1લી જૂનથી 19 કિગ્રા વજન ધરાવતા કોમર્શિયલ ગેસ સિલિન્ડર્સની કિંમતોમાં ભારે મોટો કાપ મુકવામાં આવ્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં આજથી પ્રતિ સિલિન્ડર 135 રૂપિયાનો ઘટાડો લાગુ કરવામાં આવ્યો છે.
પેટ્રોલિયમ કંપની ઈન્ડિયન ઓઈલે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં 135 રૂપિયાનો કાપ મુક્યો છે. આ ઘટાડા બાદ 19 કિગ્રા વજન ધરાવતા કોમર્શિયલ ગેસ સિલિન્ડર્સ દિલ્હીમાં 2,219 રૂપિયામાં, કોલકાતામાં 2,322 રૂપિયામાં, મુંબઈમાં 2,171.50 રૂપિયામાં અને ચેન્નાઈમાં 2,373 રૂપિયામાં મળશે. જોકે ઘરેલુ રાંધણ ગેસના સિલિન્ડરની કિંમતોમાં કોઈ જ ફેરફાર નથી કરવામાં આવ્યો.
આ કારણે ગ્રાહકોને 14.2 કિગ્રા વજન ધરાવતા ગેસ સિલિન્ડરમાં કોઈ લાભ નહીં મળે. ઉલ્લેખનીય છે કે, કોમર્શિયલ એલીપીજી સિલિન્ડર્સની કિંમતોમાં એપ્રિલ અને મે મહિના દરમિયાન અનેક વખત વધારો થઈ ચુક્યો છે. દિલ્હીમાં 19 કિગ્રા વજનવાળા સિલિન્ડરની કિંમત માર્ચ મહિનામાં 2,012 રૂપિયા હતી અને એપ્રિલમાં તે 2,253 રૂપિયાએ પહોંચી ગઈ હતી. ઉપરાંત પહેલી મેના રોજ પણ તેની કિંમતોમાં 102 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત વધીને 2,354 રૂપિયા થઈ ગઈ હતી.
દેશમાં વધી રહેલી મોંઘવારીના કારણે સામાન્ય જનતા ખૂબ જ પરેશાન છે. ઉપરથી ગેસ સિલિન્ડરની કિંમતોમાં થઈ રહેલા વધારાના કારણે લોકોની મુશ્કેલીઓ વધી હતી. જોકે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો થવાના કારણે અમુક લોકોને થોડી રાહત મળશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500