નેપાળનાં વડાપ્રધાન પુષ્પ કમલ પ્રચંડ પોતાની પહેલી વિદેશ યાત્રા માટે ભારત આવી રહ્યા છે. ભારત યાત્રા દરમિયાન તેમની ટેમ્પલ ડિપ્લોમસી જોવા મળશે. વડાપ્રધાન પ્રચંડ તારીખ 31 મેના રોજ ભારત પહોંચવાના છે અને ચાર દિવસ રોકાવાના છે. તેઓ આ દરમિયાન ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કરશે તેમજ ભારતના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરની મુલાકાત લેશે. પ્રચંડ પોતે નેપાળની કોમ્યુનિસ્ટ પાર્ટીના પ્રમુખ છે અને એટલે જ તેમની મંદિર યાત્રાએ આશ્ચર્ય જન્માવ્યુ છે. વડાપ્રધાન મોદીએ પ્રચંડને વડાપ્રધાન બન્યા બાદ ભારતના મહેમાન બનવા માટે આમંત્રણ આપ્યુ હતુ.
પ્રચંડે 2022માં વડાપ્રધાન તરીકે સત્તા સંભાળી તે પછી ચીનમાં નેપાળનો પ્રભાવ ઝડપથી વધી રહેલો દેખાઈ રહ્યો હતો. જેનાથી સાવધ બની ગયેલી ભારત સરકારે પોતાના વિદેશ સચિવ વિનય મોહનને નેપાળ પણ મોકલ્યા હતા. એ પછી પ્રચંડની ભારત યાત્રાની તૈયારીઓ શરુ થઈ હતી. ભારત યાત્રા દરમિયાન પ્રચંડ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે અને નેપાળ તેમજ ભારત વચ્ચેના ઘેરા સાંસ્કૃતિક સબંધોના પ્રતિક સ્વરુપે મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કરશે. આ મંદિર ભગવાન શંકરના બાર જયોર્તિલિંગો પૈકીનુ એક ગણાય છે. પ્રચંડ ઈન્દોર પણ જવાના છે. જ્યાં તેમને આ શહેરની સ્વચ્છતા માટે જવાબદાર વેસ્ટ મેનેજમેન્ટની જાણકારી પણ આપવામાં આવશે.
ઈન્દોર સતત 6 વર્ષથી સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોપ પર બની રહ્યુ છે. જોકે ભારત પણ અગાઉ નેપાળ યાત્રા દરમિયાન મંદિરો તરફનો ઝુકાવ બતાવી ચુકયો છે. 2018માં વડાપ્રધાન મોદી નેપાળની યાત્રાએ ગયા ત્યારે તેમણે પશુપતિનાથ મંદિરમાં પૂજા કરી હતી. 2022માં નેપાળના તે સમયના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા ભારત આવ્યા ત્યારે તેમણે કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કર્યા હતા. નેપાળના અત્યારના વડાપ્રધાન પ્રચંડની સાથે તેમની પુત્રી દાહાલ પણ ભારત આવવાની છે. પ્રચંડ વડાપ્રધાન મોદી તેમજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને પણ મળવાના છે. મોદી અને પ્રચંડ બપોરનાં સમયે એક સાથે ભોજન પણ કરશે. પ્રચંડની વડાપ્રધાન તરીકે આ ચોથી ભારત યાત્રા હશે. આ દરમિયાન તેઓ ભારતમાં રહેતા નેપાળી સમુદાય સાથે પણ વાતચીત કરવાના છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500