સુરત જિલ્લા એલ.સી.બી. અને એસ.ઓ.જી.ની ટીમે નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડામાં હીરાનાં કારખાનામાંથી હીરા અને રોકડ રકમની ચોરી કરનાર ગેંગનાં બે આરોપીઓને ઝડપી લીધા હતા. જોકે પોલીસે તેમની પાસેથી હીરા, રોકડ અને અન્ય સામાન મળી કુલ રૂપિયા 32.41 લાખથી વધુનો સામાન કબ્જે કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લા એલ.સી.બી અને એસ.ઓ.જી.ની ટીમ પેટ્રોલીંગમાં હતી.
તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક સફેદ કલરની કારમાં કેટલાક ઇસમો ચોરીનાં મુદ્દામાલ વેચવા જનાર છે તેઓ કામરેજથી કડોદરા તરફ નેશનલ હાઇવે નંબર-48 પરથી પસાર થનાર છે. જે બાતમીનાં આધારે પોલીસે કોસમાડી પાટિયા પાસે વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ કાર આવતા તેને રોકી તલાશી લીધી હતી.
જોકે કાર ચાલક અરજણ નાથુ ચૌહાણનાં નામથી ઇ ગુજકોપ એપ્લીકેશનમાં તેનો ગુનાહિત ઇતિહાસ તપાસતા તેના વિરુદ્ધ ઘરફોડ ચોરી તથા નાર્કોટિક્સ એક્ટ મુજબના ગુના નોંધ્યાએલા હોવાની હકીકત સામે આવી હતી, જ્યારે બાજુમાં બેસેલ ધનજી ઢોલરિયા પણ ઘરફોડ ચોરીમાં સામેલ હોવાનું જાણવા મળ્યું હતું.
જયારે ગાડીમાં તપાસ કરતાં અંદરથી એક બેગ મળી આવી હતી જેમાં હીરા તથા રોકડા રૂપિયા અને ઘરફોડ ચોરી માટેના ઇલેક્ટ્રીક મશીનો તેમજ અન્ય સાધન સામગ્રી મળી આવી હતી. પોલીસે પૂછપરછ કરતાં બંને આરોપીઓએ તેના મિત્ર પરેશ હીરા મંગલપરા સાથે મળી નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડા ખાતે રક્ષાબંધનની આગલી રાત્રિએ એક હીરાના કારખાનામાં પ્રવેશ કરી તિજોરી કાપી તેમાંથી હીરા અને રોકડા રૂપિયાની ચોરીની કબૂલાત કરી હતી.
જે અંગે ડેડીયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ પાન નોંધાય હતી. આમ, પોલીસે બંનેની અટક કરી પરેશ મુંગલપરાને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે તેમની પાસેથી 8,795/- નંગ હીરા કિંમત રૂપિયા 25,82,105/-, રોકડા રૂપિયા 5.90 લાખ, મોબાઇલ, એક કાર, ડ્રિલ મશજીન તેમજ અન્ય સામગ્રી મળી કુલ રૂપિયા 32,41,355/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે આરોપીઓએ ચોરેલા કેટલાક હીરા મુંબઈમાં વેચી દીધા હોવાનું પણ સ્વીકાર્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500