Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મારું મણિપુર સળગી રહ્યું છે, મદદ કરો: મેરી કોમે મોડી રાતે પીએમ મોદીને અપીલ કરી

  • May 05, 2023 

મણિપુરમાં આદિવાસીઓ અને બહુમતી મેઈતી સમાજ વચ્ચે ભડકેલી હિંસાને પગલે પૂર્વોત્તરનું રાજ્ય પાંચ દિવસથી અશાંત પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. રાજ્યમાં ફેલાયેલી હિંસા ડામવા માટે સરકારે ગુરુવારે દેખો ત્યાં ઠારના આદેશ આપ્યા છે. આ સાથે સરકારે આખા રાજ્યમાં પાંચ દિવસ માટે મોબાઈલ ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. વધુમાં રાજ્યમાં આર્મી અને સશસ્ત્ર દળોની ૫૫ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. જવાનોએ સ્થિતિ કાબુ કરવા માટે ૮ જિલ્લામાં ફ્લેગ માર્ચ કરી હતી તથા ચુરાચાંદપુર, ઈમ્ફાલ અને તેનુગોપાલ જિલ્લા સહિત અશાંત વિસ્તારોમાંથી ૯,૦૦૦ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું હતું.


સંરક્ષણ પીઆરઓ લેફ્ટનન્ટ કર્નલ એમ. રાવતે જણાવ્યું હતું કે ભારતીય સૈન્ય અને અસમ રાઈફલ્સે રાજ્યમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે આખી રાત લગભગ ૭,૫૦૦થી વધુ નાગરિકોને અશાંત વિસ્તારોમાંથી સલામત સ્થળે ખસેડવા અભિયાન ચલાવ્યું હતું. હિંસાના કારણે ૯,૦૦૦થી વધુ લોકો વિસ્થાપિત થઈ ગયા હતા. આર્મી તથા અસમ રાઈફલ્સે રાજ્યમાં ૫૫ ટૂકડીઓ તૈનાત કરી હતી તથા ૧૪ ટૂકડીઓને સ્ટેન્ડ બાય રાખી હતી.


રાજ્ય સરકારે રાજ્યમાં સ્થિતિ થાળે પાડવા અને અફવાઓ ફેલાતી રોકવા માટે મોબાઈલ, બ્રોડબેન્ડ સહિત તમામ પ્રકારના ઈન્ટરનેટ પર પાંચ દિવસનો પ્રતિબંધ મૂકી દીધો છે. કેન્દ્ર સરકારે મણિપુરમાં સ્થિતિ પર ચાંપતી નજર રાખી છે અને શહેરોમાં હિંસા પર કાબૂ મેળવવા વિશેષ તાલિમબદ્ધ રેપિડ એક્શન ફોર્સની ટીમો ઉત્તરપૂર્વીય રાજ્યમાં મોકલી છે, જે સાંજના સમયે ઈમ્ફાલ એરપોર્ટ પહોંચી હતી. મણિપુરમાં મેઈતિ સમાજનો અનુસૂચિત જનજાતી (એસટી)માં સમાવેશ કરવાની ભલામણના વિરોધમાં નગા અને કુકી આદિવાસીઓ તરફથી બુધવારે 'આદિવાસી એકતા માર્ચ' યોજવામાં આવી હતી. ત્યાર પછી બુધવારે રાજ્યમાં હિંસા ભડકી ઊઠી હતી, જેણે રાતના સમયે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.


પોલીસે જણાવ્યું કે, બુધવારે ચુરાચાંદપુર જિલ્લાના તોરબંગ ક્ષેત્રમાં માર્ચ દરમિયાન હથિયરો સાથે એક ટોળાએ મેઈતી સમાજના લોકો પર હુમલો કર્યો હતો, જેના જવાબમાં મેઈતી સમાજના લોકો પણ હિંસા પર ઉતરી આવ્યા હતા. આ ઘટનાને પગલે આખા રાજ્યમાં હિંસા ફેલાઈ હતી. મુખ્યમંત્રી એન. બિરેન સિંહે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.દરમિયાન મોડી રાતે દેશની જાણિતી બોક્સર મેરી કોમે રાજ્યમાં સ્થિતિ શાંત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મદદ માગતા ટ્વીટ કરી હતી. મેરી કોમે રાતે ૨.૪૫ વાગે ટ્વીટ કરી લખ્યું, 'મારું રાજ્ય મણિપુર સળગી રહ્યું છે. કૃપયા મદદ કરો.' તેમણે ટ્વીટમાં હિંસાગ્રસ્ત વિસ્તારની ત્રણ તસવીરો શૅર કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પીએમઓ, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને પણ ટેગ કર્યા હતા.


આદિવાસી આંદોલનના કારણે હિંસા ફાટી નીકળતા મણિપુરના ૮ જિલ્લામાં કરફ્યુ લાગુ કરાયો હતો અને સશસ્ત્ર દળોએ ચુરાચાંદપુર સહિત હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી હતી.  પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં મેઈતી સમાજના ૯,૦૦૦ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે, જેમાં ચુરાચાંદપુરમાંથી ૫,૦૦૦ લોકો, ઈમ્ફાલ ઘાટીમાંથી ૨,૦૦૦ અને અન્ય હિંસાગ્રસ્ત વિસ્તારોમાંથી ૨,૦૦૦ લોકોને તેુગોપાલ જિલ્લાના સરહદીય શહેર મોરેહમાં મોકલવામાં આવ્યા છે.રાજ્યમાં હિંસા વકરતા રાતે જ સૈન્ય અને અસમ રાઈફલ્સના જવાનોને તૈનાત કરાયા હતા. સશસ્ત્ર દળોએ સવાર સુધીમાં હિંસા પર કાબૂ મેળવી લીધો હતો. રાજ્યમાં ફેલાયેલી હિંસાને પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહ સાથે વાત કરી હતી અને રાજ્યમાં સ્થિતિની સમીક્ષા કરી હતી.

મેઈતી સમાજ-આદિવાસીઓ વચ્ચેના વિવાદનું કારણ


મણિપુરમાં મેઈતી સમાજનું વર્ચસ્વ છે. રાજ્યમાં મેઈતી સમાજની વસતી અંદાજે ૫૩ ટકા જેટલી છે જ્યારે નગા અને કુકી સહિત અન્ય આદિવાસીઓની વસતી ૪૦ ટકા છે. મેઈતી સમાજનો અનુસૂચિત જનજાતિ (એસટી) વર્ગમાં સમાવેશ કરવાની માગણી થઈ રહી છે. આ અંગે મણિપુર હાઈકોર્ટેમાં કેસ કરાયો હતો. મણિપુર હાઈકોર્ટે ગયા મહિને રાજ્ય સરકારને મેઈતી સમાજને એસટીનો દરજ્જો આપવાની ભલામણ કરતી દરખાસ્ત ચાર સપ્તાહમાં કેન્દ્રને મોકલવા નિર્દેશ આપ્યા હતા. રાજ્યમાં બિન આદિવાસી મેઈતી સમાજને એસટીનો દરજ્જો આપતા રોકવા માટે ઓલ ટ્રાઈબલ સ્ટુડન્ટ યુનિયન મણિપુરે બુધવારે 'આદિવાસી એકતા માર્ચ'નું આયોજન કર્યું હતું. આ માર્ચમાં હિંસા ફાટી નીકળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application