ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તામંડળના સીધા માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લા કાનુની સેવા સત્તામંડળ દ્વારા સુરત શહેર-જિલ્લાની તાલુકા કોર્ટોમાં યોજાયેલી વિવિધ પેન્ડીંગ કેસોની નેશનલ લોક અદાલતમાં કુલ 29,049 કેસોનો સમાધાનથી નિકાલ કરીને 310 કરોડનું સેટલમેન્ટ કરી 49 લાખના દંડની વસુલાત કરી છે. સુરત જિલ્લા ન્યાયાલય તથા તાબાની તાલુકા કોર્ટોમાં વિવિધ પેન્ડીંગ કેસોની નેશનલ લોક અદાલતનું આયોજન સુરત જિલ્લા કાનુની સેવા સત્તામંડળના અધ્યક્ષ તથા મુખ્ય સુરત જિલ્લા ન્યાયાધીશ અતુલભાઈ રાવલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતુ. જ્યારે યોજાયેલી નેશનલ લોક અદાલતમાં ક્રીમીનલ કમ્પાઉન્ડ કેસો, નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના કેસો, બેન્કના નાણાં વસુલાત, મોટર અકસ્માત વળતર, લેબર તકરાર, વોટર અને ઈલેકટ્રીસીટીના બિલ, લગ્ન વિષયક તકરાર, રેવન્યુ તથા સીવીલના કુલ 6,388 કેસો મુકવામાં આવ્યા હતા.
જે પૈકી 5,392 કેસોમાં સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો છે. જ્યારે સ્પેશ્યલ સીટીંગમાં કુલ 23,903 કેસો પૈકી 23,657 કેસોનુ નિકાલ કરવામાં આવ્યો છે. મોટર વાહન અકસ્માતના એક કેસમાં 50 લાખનું, કોમર્શિયલ દાવામાં 309 કરોડનું સમાધાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વર્ષ 1988 ના એક દાવા સહિત અન્ય એક 23 વર્ષ જુના દાવામાં સમાધાનથી નિકાલ કરાયો છે. સુરત જિલ્લાકાનુની સેવા સત્તામંડળના સચિવ સી.આર.મોદીએ જણાવ્યું હતુ કે, આજની નેશનલ લોક અદાલતમાં કુલ 29,049 કેસોના નિકાલ કરી 3.10 કરોડની રકમનું સેટલમેન્ટ તથા 49.96 લાખનો દંડ વસુલવામાં આવ્યો છે. જ્યારે અદાલતી કાર્યવાહી પુર્વેના પ્રિ-લીટીગેશનના કુલ 2,929 કેસોનો સમાધાનથી નિકાલ કરી 3.55 કરોડની રકમનું સેટલમેન્ટ કરવામાં આવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500