રાજ્યમાં છેલ્લા બે દિવસ દરમિયાન ભરશિયાળે કમોસમી વરસાદ પડ્યો હોવાથી ખેડૂતોને પાક નુકસાનની ભીતિ વર્તાઈ રહી છે. રાજ્યમાં માવઠા બાદ હવે કાતિલ ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી 4 જાન્યુઆરી 2025 સુધી શુષ્ક હવામાનની શક્યતા છે. આ સાથે રાજ્યમાં આગામી 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં માવઠા બાદ હવે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને ભારે અસર વર્તાઈ રહી છે. જેના કારણે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. આ દરમિયાન રાજ્યમાં 2-3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થવાથી ઠંડીનો ચમકારો વધશે. રાજ્યમાં આજથી ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી કરી છે, ત્યારે અમદાવાદ, ગાંધીનગર સહિતના મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઠંડીનું જોર વધશે. જ્યારે સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ સાથે કમોસમી વરસાદ પડી શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500