દિલ્હી હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ યશવંત વર્માના ઘરે સળગેલી હાલતમાં કરોડો રૂપિયાની રોકડના બંડલો મળ્યા હતા તેમ પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓએ સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી તપાસ સમિતિને કહ્યું હતું. જજ જસ્ટિસ યશવંત વર્માના નિવાસેથી ૧૪ માર્ચે લાગેલી આગમાં કરોડો રૂપિયાની રોકડ મળી આવવાની ઘટનાની તપાસ માટે સુપ્રીમ કોર્ટે હાઈસોર્ટના ન્યાયાધીશોની ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિએ આગની ઘટના સમયે હાજર અધિકારીઓની પૂછપરછ કરી હતી.
સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની તપાસ સમિતિએ પોલીસ કમિશનર સંજય અરોરા, ડીપીસી (નવી દિલ્હી જિલ્લા) દેવેશ મહલા અને આ ઘટના સાથે સંકળાયેલા અન્ય કર્મચારીઓની ગહન પૂછપરછ કરી હતી. આ પૂછપરછમાં મુખ્ય બે સવાલ પર ભાર મુકાયો હતો. એક આગ સમયે સ્થળ પર મળી આવેલી રોકડ જપ્ત શા માટે કરાઈ નહોતી? બીજો આગ લાગવાના દૃશ્યવાળા વીડિયો કર્મચારીઓએ તેમના ફોનમાંથી ડીલીટ શા માટે કરી નાંખ્યા? અહેવાલ મુજબ પોલીસ અને અગ્નિશમન દળના અધિકારીઓએ સમિતિને જણાવ્યું કે, આ કેસમાં એફઆઈઆર નોંધાઈ નહીં હોવાથી રોકડ જપ્ત કરવામાં આવી નહોતી.
પોલીસ અધિકારીઓએ દાવો કર્યો કે તેમણે નિયત પ્રક્રિયાનું પાલન કરતા કેસ પોતાના વરિષ્ઠ અધિકારીઓને સોંપ્યો હતો, જેમણે છેવટે દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી કે ઉપાધ્યાયને આ ઘટનાની જાણ કરી હતી. વીડિયો ડિલીટ કરવાનો સંદર્ભ છે ત્યાં સુધી પોલીસે કહ્યું કે તેમણે વરિષ્ઠ અધિકારીઓના નિર્દેશોનું પાલન કરતા તેમના ફોનમાંથી વીડિયો ડિલીટ કર્યો હતો. પોલીસ કર્મચારીઓએ સમિતિને જણાવ્યું કે ભારતની કોઈપણ હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વિરુદ્ધ એફઆઈઆર ત્યારે જ નોંધી શકાય જ્યારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તેની મંજૂરી આપે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500