Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જમ્મુ કાશ્મીરનાં રામબનનાં ધર્મકુંડમાં વાદળ ફાટવાને કારણે અચાનક પૂર આવ્યું

  • April 21, 2025 

જમ્મુ કાશ્મીરનાં રામબનના ધર્મકુંડમાં રવિવારે સવારે વાદળ ફાટવાને કારણે અચાનક પૂર આવ્યું હતું, જેને પગલે પુરા વિસ્તારમાં અફરા તફરી મચી ગઇ હતી. અચાનક આવેલા પૂરમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે કેટલાક લોકો ગૂમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે. પૂરને કારણે અનેક ઘરોમાં પાણી ભરાઇ ગયા હતા. લોકો ઘરોમાં જ ફસાઇ રહ્યા હતા. પૂરને કારણે આશરે ૧૦૦ મકાન વહી ગયા હતા. જ્યારે ધર્મકુંડના માર્કેટમાં અનેક દુકાનો પણ ધોવાઇ ગઇ હતી. અચાનક આવેલા આ પૂરમાં જાનહાનીની સાથે લોકોને ભારે નુકસાન પણ થયું હતું. પ્રાપ્ત જાણકારી અનુસાર અનેક લોકો પૂરમાં ફસાયેલા છે જેમને રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ લોકોને રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યા છે જ્યારે ગૂમ લોકોની શોધખોળ ચાલી રહી છે.


અહીંના સેરી બાંગા ગામમાં સૌથી પહેલા વાદળ ફાટયું હતું. જેને પગલે ગામના ત્રણ લોકો માર્યા ગયા હતા. પૂરના પાણી હાઇવે પર જતા રહ્યા હતા જેને પગલે હાઇવે પર ૨૫૦ કિમી સુધી અનેક લોકો પોતાના વાહનો સાથે કલાકો સુધી ફસાયા હતા. માત્ર જમ્મુ પ્રાંતમાં જ છેલ્લા બે દિવસમાં વરસાદની ઘટનાઓમાં પાંચ લોકો માર્યા ગયા છે. ધરમકુંડ ગામમાં પૂરને કારણે ૪૦થી વધુ મકાનો ધોવાઇ ગયા હતા જ્યારે આસપાસના અન્ય ગામોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લામાં ભારે તારાજી સર્જાઇ છે. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહ અને ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને ભોગ બનેલા લોકોને તમામ પ્રકારની મદદની ખાતરી આપી હતી.


હાલમાં રામબનમાં જિલ્લા પ્રશાસન, રાજ્યનું ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (ડીઆરએફ) અને રેસ્ક્યૂ ટીમોને તૈનાત કરવામાં આવી છે.  જ્યારે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરાયેલા રેસ્ક્યૂની કાર્યવાહીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે રામબન જિલ્લામાં ભારે પૂર, ભુસ્ખલનની સ્થિતિ સર્જાઇ છે. રામબન જિલ્લાની આસપાસ પણ તેની અસર જોવા મળી રહી છે. નેશનલ હાઇવે પણ જામ રહ્યો હતો. કેટલાક પરિવારને ભારે નુકસાન થયું છે જ્યારે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. દરમિયાન લદ્દાખમાં ભારે હિમવર્ષા થઇ હતી, જેને પગલે ત્રણ દિવસ માટે શાળાઓને બંધ રાખવામાં આવી છે. આ હિમવર્ષાની સૌથી વધુ અસર કારગીલમાં થઇ હતી. કારગીલના ખાંગરલ વિસ્તારમાં બે ફૂટ જેટલી બરફની ચાદર પથરાઇ ગઇ છે.


ભારે હિમવર્ષાને ધ્યાનમાં રાખીને એલએએચડીસીના મુખ્ય કાઉન્સિલર દ્વારા ઇમર્જન્સી બેઠક બોલાવવામાં આવી હતી. આ દરમિયાન તમામ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ્સને એલર્ટ પર રહેવા આદેશ અપાયા હતા. મિકેનિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે મશીનરીની મદદથી બરફ હટાવાઇ રહ્યો છે.  બીજી તરફ હિમાચલ પ્રદેશમાં આ વર્ષે જ ૨૬૨ લોકોએ કુદરતી આફત અને અકસ્માતોમાં જીવ ગુમાવ્યો હતો, આ માહિતી મંત્રી જગતસિંઘ નેગી દ્વારા આપવામાં આવી હતી.


તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે એપ્રીલ મહિનામાં જ ૩૮ લોકોએ આવી ઘટનાઓમાં જીવ ગુમાવ્યો છે, બે નેશનલ હાઇવે સહિત ૪૩ રોડને ટ્રાફિકને કારણે બંધ રાખવા પડયા હતા. હાલમાં જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટવું, લદ્દાખમાં હિમવર્ષાની ઘટનાઓ વચ્ચે આંધ્ર પ્રદેશમાં વીજળી પડવાથી બે બાળકો માર્યા ગયા હતા. આ ઘટના પ્રકાસમ જિલ્લામાં સામે આવી હતી, અહીંના પેડ્ડા ગામમાં આશરે ૨૦ જેટલા બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે અચાનક જ બે બાળકો પર વીજળી પડી હતી. જેમાં તેમના મોત નિપજ્યા હતા. જ્યારે દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા ત્રણ વર્ષમાં એપ્રીલ મહિનામાં સૌથી ઉંચુ લઘુતમ તાપમાન નોંધાયું હતું. રવિવારે દિલ્હીમાં લઘુતમ તાપમાન ૨૬ ડિગ્રી હતું જે સામાન્ય કરતા ૪.૪ ડિગ્રી વધુ નોંધાયું હતું. છેલ્લે એપ્રીલ મહિનામાં વર્ષ ૨૦૨૨માં લઘુતમ તાપમાન ૨૬.૨ ડિગ્રી રહ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application