રાજસ્થાનમાં એક જ પરિવારનાં તમામ સભ્યોએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે, જાલોર જિલ્લામાં બુધવારે એક દંપતિએ તેમના પાંચ બાળકો સાથે કેનાલમાં પડતુ મૂક્યુ હતું જ્યાં ડૂબી જવાથી સાતેયનાં મોત થઈ ગયા છે. મૃતકોમાં શંકરલાલ (ઉ.વ.32) અને તેની પત્ની બદલી (ઉ.વ.30) તેમના પાંચ બાળકો સાથે સિદ્ધેશ્વર પાલડી નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં ઝંપલાવ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે, ઘરેલુ વિવાદ બાદ કપલે આ પગલું ભર્યું હતું. મૃત્યુને ભેટતા પહેલા તમામ લોકોએ એકબીજા સાથે પોતાના પગ દોરડાથી બાંધ્યા હતા.
જેમાં મૃતકોમાં પતિ-પત્ની સિવાય પાંચ બાળકો પણ સામેલ છે જેમની ઉંમર 3 થી 12 વર્ષની વચ્ચે છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જણાવી દઈએ કે, મૃતકનો પરિવાર જાલોર જિલ્લાના સાંચોર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ખલીફા ગામમાં રહેતો હતો. ઘટના બાદ સાંચોર પોલીસ સ્ટેશનનાં એસએચઓ નિરંજન પ્રતાપ સિંહનું કહેવું છે કે, સ્થાનિક ગોતાખોરોની મદદથી પોલીસે બચાવ કાર્ય શરૂ કર્યું હતુ.
ત્યારબાદ તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. બીજી તરફ મૃતકના પરિવારજનોનું કહેવું છે કે, ઝઘડો થયા બાદ મંગળવારે બપોરે બધા ઘરની બહાર નીકળી ગયા હતા. આ પછી બુધવારે બપોરે 2.30 વાગ્યે બધાએ નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું જેમના મૃતદેહ લગભગ 6.30 વાગ્યે મળી આવ્યા હતા. જાલોરનાં પોલીસ અધિક્ષક ડો.કિરણ કાંગે માહિતી આપી હતી કે, પ્રાથમિક દૃષ્ટિએ આ આત્મહત્યાનો મામલો હોવાનું જણાય છે બાકીની વિગતો વધુ તપાસ બાદ સામે આવશે.
બીજી તરફ તમામ મૃતદેહોને કેનાલમાંથી કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. ઘટના બાદ તપાસ દરમિયાન સાંચોરના સી.ઓ. રૂપ સિંહ ઈન્ડાએ જણાવ્યું કે, પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો હતો અને બંને વચ્ચે લાંબા સમયથી બધુ બરાબર ચાલતું ન હતું ત્યારબાદ મંગળવારે દંપતી વચ્ચે ઝઘડો થયો હતો અને તેઓ તેના પાંચ બાળકો સાથે ઘર છોડીને ચાલ્યા ગયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500