Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે : નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી

  • July 18, 2023 

સુરતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. વહેલી સવારથી જ શહેરમાં કાળા ડિબાંગ વાદળો અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. જેને લઇને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મળતી માહિતી મુજબ, સુરત શહેરમાં માત્ર બે કલાકમાં ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. લિંબાયત ઝોનમાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરાછા A ઝોનમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સેન્ટ્રલ ઝોનમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત વરાછા ઝોન B અને વેસ્ટ ઝોનમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે. નોર્થ ઝોનમાં 2 અને સાઉથ વેસ્ટ ઝોનમાં એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.



સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદ થતા ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ સુરત જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી છૂટો છવાયો વરસાદ સુરત શહેરમાં વરસી રહ્યો હતો. દરમિયાન આજે વહેલી સવારથી જ મેઘરાજાની સવારી સુરત શહેરમાં આવી પહોંચી હતી. સુરત શહેરમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગાજવીજ સાથે મેઘ મહેર જોવા મળી છે. ભારે વરસાદનાં કારણે સુરતનાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદનાં કારણે જનજીવનને અસર પહોચી હતી. ભારે વરસાદનાં કારણે કામકાજ અર્થે નિકળેલા લોકોને પણ ભારે વરસાદમાં ઓફિસ કે કામ ધંધે જવાની ફરજ પડી હતી.



જયારે એક ધારો વરસાદ પડવાને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. સુરતમાં વહેલી સવારથી ભારે વરસાદનાં કારણે ઉધના દરવાજા, લિંબાયત, અડાજણ, સિવિલ પાસે, મીઠીખાડી સહિતનાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા. ઉધના દરવાજા પાસે મેઈન રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. લોકોનાં વાહનો પણ ભરાયેલા પાણીમાં બંધ પડતા નજરે ચડયા હતા. તો બીજી તરફ લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં પણ ગોઠણસમાં પાણી ભરાઈ ગયા હતા. અહીં બાળકો જાણે તળાવમાં ન્હાતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પણ નવા નીર આવ્યા છે. ઉકાઈ ડેમની સપાટી સવારે 10 કલાકે 314.42 ફૂટ નોંધાઈ છે.



તો બીજી તરફ ડેમમાં પાણીની આવક 10,000 કયુસેક નોંધાઈ હતી. જ્યારે ડેમમાંથી પાણીની જાવક 600 કયુસેક હતી. સુરતનો વિયરકમ કોઝવે પણ ઓવરફલો થયો છે. કોઝવેની આજે 10 કલાકે સપાટી 6.40 મીટર નોંધાઈ છે. કોઝવે ઓવરફલો થતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. લિંબાયત ઝોનમાં મુશળધાર વરસાદ થતાની સાથે જ મેયરે સ્થળની મુલાકાત લીધી છે. મેયર દ્વારા અધિકારીઓને તાત્કાલિક પાણીના નિકાલ માટેની સુચના આપવામાં આવી છે. લિંબાયત ખાડીની આસપાસ પાણીના ભરાવાને તાત્કાલિક ખાલી કરવા માટે ટીમ બનાવીને કામે લાગવા માટે કહેવામાં આવ્યું છે. જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હોય છે ત્યાં પણ તાત્કાલિક ઝોનના અધિકારીઓને પહોંચી જાય પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે તાકીદે કામગીરી શરૂ કરવા માટે કહેવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application