દેશના જાણીતા બોડી બિલ્ડર અને અનેક એવોર્ડ વિજેતા આશિષ સાખરકરનું ગંભીર બીમારી બાદ નિધન થયું છે. તેઓ મુંબઇના પરેલ ખાતે રહેતા હતા. તેઓ 43 વર્ષના હતા. તેમના પરિવારમાં પત્ની અને એક પુત્ર છે. આશિષ સાખરકર બોડી
બિલ્ડિંગની દુનિયામાં ખૂબ જ મોટું નામ છે. તેમણે મહારાષ્ટ્ર મિસ્ટરથી લઈને મિસ્ટર ઈન્ડિયા, મિસ્ટર યુનિવર્સ સુધીના ઘણા ખિતાબ જીત્યા છે. તેમના લાખો ચાહકો હતા. તેમના નિધનથી વ્યાપક શોકની લાગણી ફેલાઇ છે.ઈન્ડિયન બોડી બિલ્ડર્સ ફેડરેશનના જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે પરેલના રહેવાસી 43 વર્ષીય સાખરકર ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત હતા અને તેમને એક અઠવાડિયા પહેલા દક્ષિણ મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
80-કિલો કેટેગરીમાં બોડી-બિલ્ડર, સાખરકરને ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા હતા અને તેમને મહારાષ્ટ્ર સરકારનો શિવ છત્રપતિ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો, આશિષ સાખરકર મિસ્ટર ઈન્ડિયા ટાઈટલનો પર્યાય બની ગયા હોવાની લાગણી તેમના ચાહકો વ્યક્ત કરી રહ્યા છે. સાખરકરને માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં આઇકન માનવામાં આવતા હતા. તેમના જવાથી ચાહકોને આઘાત લાગ્યો છે. અસંખ્ય ચાહકો અને મિત્રો આશિષ સાખરકરની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.આશિષે સખત મહેનત કરીને બોડી બિલ્ડીંગની દુનિયામાં પોતાનું નામ બનાવ્યું હતું. આશિષ સાખરકરના પાર્થિવ દેહના આજે સાંજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને ટ્વીટરના માધ્યમથી સાખરકરને શ્રદ્ધાંજલિ આપી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500