Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનાં મહાકુંભનો પ્રારંભ થઈ ચૂક્યો છે, મેળાનાં પ્રથમ દિવસે આશરે 1.95 લાખ ભક્તોએ દર્શન કર્યા

  • September 13, 2024 

ભક્તિ અને શક્તિના પ્રતિક સમા યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહાકુંભનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ગુરૂવારે બનાસકાંઠા કલેક્ટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનના હસ્તે મહામેળાનો શુભારંભ કરાયો હતો. અંબાજી ખાતે દાંતા રોડ ઉપર માતાજીના રથની શક્તિ વિધિ સાથે રથને થોડેક સુધી દોરીને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. મેળાનો શુભારંભ થતાની સાથે જ બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે ગિરિમાળાઓ ગુંજી ઉઠી હતી. મેળાના પ્રથમ દિવસે આશરે 1.95 લાખ જેટલા માઈભક્તો ઉમટયા હતા અને જગત જનની માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગુજરાતના મોટા મેળા પૈકી બનાસકાંઠા જિલ્લાના અંબાજીના મહામેળાનો સમાવેશ થાય છે. ભાદરવી પૂનમ નિમિત્તે ભરાતા સાત દિવસીય મહામેળામાં લાખોની જનમેદની ઉમટી પડે છે. ભક્તિ, શક્તિ અને ઉપાસનાના સંગમ સમા આ મેળામાં આ વર્ષે આશરે ૩૦ લાખ જેટલા ભક્તો ઉમટવાના અંદાજ છે.


વરસતા વરસાદ અને ડુંગરાળ વિસ્તારમાં મા અંબાના નાદ સાથે પદયાત્રા કરી આગળ ધપવાની પરંપરા આ મેળાની ખાસિયત છે. ત્યારે ગુરૂવાર અને ભાદરવા સુદ નોમના દિવસથી આ મહામેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. બનાસકાંઠા કલેક્ટર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે અંબાજીના દાંતા રોડ ઉપર શાસ્ત્રોક વિધિ સાથે મા અંબાના રથનું પ્રસ્થાન કરાવ્યા બાદ ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અધિકારીઓ તથા સામજીક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરે મેળાનો પ્રારંભ કરાવતાં નિર્વિધ્ને સંપન્ન થાય તે માટે મા અંબાને પ્રાર્થના કરી હતી.


મેળાના પ્રથમ દિવસથી વિવિધ સેવા કેમ્પો પણ ધમધમી ઉઠયા છે. ત્યારે કલેકટરે સિદ્ધહેમ સેવા કેમ્પ ખાતે મુલાકાત કરી સેવા કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો. તેમજ પદયાત્રીઓને ભોજન પીરસી મેળાની શુભકામનાઓ પાઠવી હતી. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાત દિવસીય ઉત્સવમાં મા અંબાના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓની સેવા, સુવિધા અને સુરક્ષા માટે અનેકવિધ આયોજન કરાયુ છે. મેળાના સાત દિવસ સુધી યાત્રાધામને સાંકળતા માર્ગો બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠશે. રસ્તામાં માઇભક્તોને કષ્ટ ના પડે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેરઠેર સેવા કેમ્પો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે.


ત્યારે મેળાના પ્રથમ દિવસે ગુરૂવારે આશરે 1.95 લાખ જેટલા માઈભક્તો અંબાજીમાં ઉમટયા હતા. મંદિર પરિરસમાં દર્શન માટે વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાતાં ભક્તોએ સરળતાથી માં અંબાનાં દર્શન કર્યાં હતાં. અંબાજીને જોડતા રસ્તા અરવલ્લીની ગીરીમાળા વચ્ચેથી પસાર થાય છે. સાથે સાથે યાત્રાધામ અંબાજી અને દાંતા વિસ્તાર પણ ડુંગરાળ વિસ્તારમાં આવેલો છે. ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થતાં જ પદયાત્રીઓની ચલહ પહલથી ગીરીમાળાઓ દિપી ઉઠી છે અને જીવંત બની છે. ચઢાણ ઉતાર વાળા ડુંગરાળ રોડ ઉપરથી માઈભક્તો કઠિન પદયાત્રા કરી અંબાજી તરફ આગળ વધી રહ્યા છે ગુરૂવારે સવારે 9 અને 15 મિનિટે ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ કરાયો હતો. અનેક પગપાળા સંઘોએ સવારથી જ માતાજીના શિખરે ધજાઓ ચઢાવવામાં આવી હતી. ભક્તોને મોહનથાળનો પ્રસાદ મળી રહે તે માટે પણ આયોજન કરાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application