Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડીંડોલીનાં શ્રીરામનગરમાં હલકી કક્ષાની વ્હીસ્કી બનાવવાની મીની ફેક્ટરી પર LCBનાં દરોડા : બે ઝડપાયા, બે વોન્ટેડ

  • November 04, 2023 

સુરતનાં ડીંડોલી વિસ્તારના ચાર વર્ષ અગાઉના ચકચારી હત્યાકેસના આરોપીએ જેલમાંથી જામીન પર છૂટી છેલ્લા એક મહિનાથી સાગરીત સાથે મળી ડીંડોલી શ્રીરામનગરના એક ઘરમાં શરૂ કરેલી હલકી કક્ષાની વ્હીસ્કી બનાવવાની મીની ફેક્ટરી પર LCB ઝોન-2 સ્ક્વોડે કરી બંનેને ઝડપી લીધા હતા. LCB  ઝોન-2 સ્ક્વોડે આલ્કોહોલ મિશ્રિત કેમિકલ, અન્ય સામાન સપ્લાય કરનાર અને સુરતમાં મોપેડ પર જઈ દારૂ વેચનારને વોન્ટેડ જાહેર કરી કુલ રૂપિયા 71,700/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, LCB ઝોન-2 સ્ક્વોડના એ.એસ.આઈ.ને મળેલ બાતમીનાં આધારે સ્ક્વોડે ગત બપોરે ડીંડોલી સાંઇદર્શન સોસાયટી ગેટ નં.1ની સામે શ્રીરામનગર પ્લોટ નં.9ના બીજો માળે રેઈડ કરતા ત્યાં બે વ્યક્તિ પ્લાસ્ટિકના તગારામાંથી પ્રવાહી પ્લાસ્ટિકના જગ વડે વ્હીસ્કીની કાચની ખાલી બોટલમાં ભરતા મળ્યા હતા.



પોલીસે ત્યાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના જોનપુરના વતની સંદીપ ઉદયરાજ યાદવ (ઉ.વ.31) અને વિક્રમ રાજબહાદુર યાદવ (ઉ.વ.21, નવદુર્ગા મેડીકલની બાજુમાં ભાડાની રૂમમાં, ભક્તિનગર-2, કૈલાશનગર ચાર રસ્તા પાસે, તેરેનામ રોડ, પાંડેસરા, સુરત) નાંને ઝડપી સ્થળ પરથી વ્હીસ્કીની 122 બોટલ, ખાલી 38 બોટલ, પાંચ લીટર આલ્કોહોલીક પ્રવાહી, બોટલના 56 નંગ ઢાંકણ, ઢાંકણના 23 નંગ શીલ, 479 નંગ બોટલ પર લગાવવાના જુદા-જુદા સ્ટીકર, તગારું, મગ, જગ, બાઉલ, મોપેડ, 2 નંગ મોબાઈલ ફોન, રોકડા રૂપિયા 4 હજાર મળી કુલ રૂપિયા 71,700/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે તેમની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ડીંડોલી વિસ્તારના ચાર વર્ષ અગાઉના જમીનદલાલ રામફેર ગૌતમના ચકચારી હત્યાકેસમાં ઝડપાયેલા અને થોડા સમય અગાઉ જ જેલમાંથી જામીન પર છૂટેલા સંદીપ યાદવે એક મહિના અગાઉ સાગરીત વિક્રમ સાથે મળી આ મીની ફેક્ટરી શરૂ કરી હતી.



હલકી કક્ષાની (બોમ્બ તરીકે જાણીતી) વ્હીસ્કી બનાવવા માટે તે ભંગારવાળા પાસે વ્હીસ્કીની ખાલી બોટલ ખરીદી નંદુરબારથી રાહુલ રતને મોકલેલા આલ્કોહોલ મિશ્રિત કેમિકલમાં વ્હીસ્કીની ભરેલી બોટલોમાંથી વ્હીસ્કી ખાલી કરી મિક્સ કરતા હતા. ત્યારબાદ તેને ખાલી બોટલમાં ભરી રાહુલે જ મોકલેલા સ્ટીકર, બુચ વિગેરેની મદદથી બંધ કરી તેને મોપેડ પર સોનુ બીહારી (રહે.ગોડાદરા, સુરત) મારફતે સુરતમાં વેચતા હતા. LCB ઝોન-2 સ્ક્વોડે આ અંગે ડીંડોલી પોલીસ મથકમાં ગુનો નોંધાવી સંદીપ અને વિક્રમની ધરપકડ કરી રાહુલ તેમજ સોનુને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે PSI આગળની વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application