રાજકોટના મોરબી રોડ પર ખોડીયાર પાર્કમાં રહેતા અને મહાકાળી કેટરીંગ ચલાવતા રમેશભાઇ તુલસીભાઇ સીતાપરા (ઉ.વ. 66)ના મકાનને નિશાન બનાવી તસ્કરો ગત તા.5ના સાંજે 5 વાગ્યાથી પોણા છ વાગ્યા દરમિયાન માત્ર 45 મિનિટમાં 6.60 લાખના ઘરેણા ચોરી ગયાની બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. રમેશભાઇ પોલીસને જણાવ્યું કે, તારીખ ૫ના સાંજે પાંચેક વાગ્યે તે પત્ની સાથે ઘરે હતા ત્યારે તેની બાજુમાં પાડોશીને ત્યાં ચાવી બનાવવાવાળા બે શખ્સો આવ્યા હતા. જે બન્ને ચાવી બનાવી બહાર નીકળતા ઘરની ડેલી પાસે બેસેલા તેણે તે બંને શખ્સોને પોતાના ઘરની ચાવી બનાવવાનું કહેતા બંને તેના ઘરે આવ્યા હતા.
તે બન્ને શખ્સો બહારના મુખ્ય દરવાજાના તાળાની ડુપ્લીકેટ ચાવી બનાવી હતી. આથી તેમને ઘરના કબાટ અને તેમાં રહેલ તીજોરીની ડુપ્લીકેટ ચાવી બનાવાનું કહી તેને તિજોરીની ચાવી આપતા બન્ને શખ્સો ચાવી બનાવવા લાગ્યા હતા. આ સમયે બંને અવાર-નવાર કબાટ અને તિજોરી ખોલ-બંધ કરતાં હતાં. આ સમયે બંને શખ્સોએ ચાવી બનાવતી વખતે તેની ઓરીજનલ ચાવી બગાડી નાખી હતી અને બંને શખ્સો સાંજ પડી ગઇ છે અમે કાલે સવારે આવી ચાવી બનાવી આપીશું તેમ કહી જતા રહ્યા હતા. બીજા દિવસે તે બંને શખ્સની રાહ જોતા હોય પરંતુ તે મોડે સુધી નહીં આવતા શંકા જતાં કબાટ અને તીજોરીનું તાળુ તોડી તપાસ કરતાં તેમાં રહેલ રૂ.૬.૬૦ લાખના ઘરેણા જોવાા મળ્યા ન હતા.
આથી બંને શખ્સો ચાવી બનાવવાના બહાને નજર ચુકવી ચોરી કર્યાની જાણ થતાં ફરિયાદ નોંધાવી હતી. બીજા બનાવમાં કરણપરા શેરી નં.26માં વિશાલ એપાર્ટમેન્ટમાં રહેતા અને આશાપુરા મેઇન રોડ પર શ્રીજી ડ્રેસીસ નામની દુકાન ચલાવતા મુળ બગસરાના જગદીશભાઇ રાજેન્દ્રભાઇ જોગી (ઉ.વ.46) ગત તા.13નેા હોળીનો તહેવાર પૂર્ણ કરી પરિવાર સાથે કારમાં બગસરા રહેતા માતા પાસે જતા રવાના થયા હતા.
બીજા દિવસે ધુળેટીના દિવસે પાડોશીએ તેને ફોન કરી 'તમારા ફલેટના દરવાજાનો નકુચો તુટેલો છે, દરવાજો ખુલ્લી હાલતમાં છે, લાઇટ પણ ચાલુ છે' કહેતા તેણે આ અંગે તેના નાનાભાઇ રાકેશભાઇને જાણ કરી તપાસ કરવા કહેતા તે ત્યાં પહોંચ્યા હતા અને તે પણ બગસરાથી પરિવાર સાથે રાજકોટ આવી પહોંચ્યા હતા. ઘરે તપાસ કરતાં મકાનમાંથી તસ્કરો રૂ. 3.25 લાખની રોકડ રકમ ચોરી કરી ગયાની જાણ થતાં એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500