Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લાનું ગૌરવ :ભારતીય સૈન્યમાં ફરજ બજાવતા ખોડતળાવ ગામના જાંબાઝ જવાન હેતલભાઈ ચૌધરી

  • October 25, 2023 

દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વ માટે સમર્પિત ભારતીય સેનામાં ફરજ બજાવતા વ્યારા તાલુકાના ખોડતળાવ ગામના જાંબાઝ જવાન હેતલભાઈ કે. ચૌધરી તાપી જિલ્લાનું ગૌરવ છે. હાલ જ ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ઘર્ષણ વૈશ્વિક સ્તરે ચર્ચાનો મુદ્દો બન્યો છે, ત્યારે ભારતીય સૈન્યમાં ખડેપગે સેવા બજાવતા ખોડતળાવ ગામ(રેવાપટેલ ફળિયું) ના સૈનિક હેતલભાઈ ચૌધરી લેબેનોનની સરહદે સંયુક્ત રાષ્ટ્ર સંઘ UN MISSION ની શાંતિ સેનામાં ફરજ બજાવી દેશમાં પરત ફર્યા હતા. આ દરમિયાન તેમની સાથે દુરવાણી ઉપર વાત કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો. હેતલભાઈ ચૌધરી જણાવે છે કે, ૬ મહિના સુધી ઈઝરાયેલ બોર્ડર ઉપર સંયુક્ત રાષ્ટ્ર સંઘ UN MISSION ની શાંતિ સેનામાં ફરજ બજાવીને અમે નવેમ્બર, ૨૦૨૨ માં લેબેનોનથી પરત ફર્યા હતા.



દેશના ૮ જેટલા જવાનો સહિત જુદા જુદા ૧૨ દેશના સૈનિકો સાથે સતત કાર્યરત રહી ઈઝરાયલ,પીડીયા અને લેબેનોન સરહદે પેટ્રોલીંગમાં નીકળતા હતા. હંમેશા અહીં શાંતિનો માહોલ બની રહે તે માટેના અમારા સતત પ્રયાસો રહ્યા હતા. સમગ્ર વિશ્વમાં ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન-ગાઝા પટ્ટી વચ્ચેના ઘર્ષણની અસર જોવા મળી રહી છે. અમારી એવી જ અપેક્ષા છે કે હંમેશા શાંતિનો માહોલ બની રહે... ભારતીય સૈન્યમાં ફરજ બજાવતા હેતલભાઈ ચૌધરી તાપી જિલ્લાનું ગૌરવ છે. ખોડતળાવ ગામની પ્રાથામિક શાળામાં શિક્ષણ મેળવીને માધ્યમિક ઉચ્ચત્તર ધજાંબા હાઈસ્કુલ અને ધ માંડવી હાઈસ્કુમાં ધોરણ-૧૨ સુધી અભ્યાસ કર્યો છે. વર્ષ ૨૦૧૧માં હેતલભાઈ ચૌધરી ભારતીય સૈન્યની આર્મીની 11th BN THE MAHAR REGIMENT ભોપાલ ખાતે સૈન્યમાં જોડાયા હતા અને મધ્યપ્રદેશ, પંજાબ, વેસ્ટ બંગાલ, જમ્મુ-કાશ્મીર, શિમલા વગેરે રાજ્યમાં ફરજ બજાવી છે.



તેઓ રમત-ગમતમાં પણ રુચિ રાખે છે અને રાંચી ખાતે હોકી, ફૂટબોલની તાલીમ મેળવી છે. તેઓએ તાપી જિલ્લાના યુવાનો રમતક્ષેત્રે તેમજ ભારતીય સૈન્યમાં પોતાની કારકિર્દી ઉજવળ બનાવે તે માટે ખોડતળાવ ગામમાં રમત-ગમતનું મેદાન તૈયાર થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. હેતલભાઈ ચૌધરીનું પરિવાર ખેતી વ્યવસાય સાથે સંકળાયેલું છે. સૈન્યમાં ફરજ બજાવતા પૂત્ર માટે તેઓ ગૌરવની લાગણી અનુભવે છે. સાથે માતા કવિતાબેને જણાવ્યું હતું કે મારો પૂત્ર ભારતીય સૈન્યમાં ફરજ બજાવે છે જેનાથી હું ગૌરવની લાગણી અનુભવું છું.પત્નિ સુમિતાબેને પણ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી કે ઈઝરાયેલ, લેબનોન ખાતે તેમણે ફરજ બજાવી છે. હેતલ ચૌધરી ગામના યુવાનોને પણ અવનવી ભરતીઓની તૈયારી માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.જિલ્લા વહીવટી તંત્રના પરામર્શમાં રહીને યુવાનોના વિકાસ માટે તત્પર છે. ગામના સરપંચશ્રી, ગ્રામજનો સહિત જિલ્લા વહીવટીતંત્રએ હેતલભાઈની દેશસેવાને બિરદાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application