બારડોલીના ઉમરાખ કોલેજ ખાતે ધારાસભ્ય સંગીતાબેન પાટીલની અધ્યક્ષતામાં આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહિલા અને બાળવિકાસ વિભાગની વિવિધ યોજનાઓમાં લાભાર્થીઓને ધારાસભ્ય અને મહાનુભાવોના હસ્તે લાભો અર્પણ કરવામાં આવ્યા હતા. બારડોલીના ઉમરાખ ખાતે આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની ઉજવણી કાર્યક્રમમાં લિંબાયત ધારાસભ્ય સંગીતાબેન પાટીલે જણાવ્યું કે, દરેક ક્ષેત્રમાં મહિલાઓ આજે અગ્રેસર બની છે, રાજ્ય સરકાર દ્વારા મહિલાલક્ષી વિવિધ યોજનાઓ મહિલાઓના આર્થિક, સામાજિક અને શૈક્ષિણક ઉત્થાન માટે અમલમાં મુકવામાં આવી છે.
વધુમાં તેમણે સરકારની યોજનાઓ વિશે માહિતી આપતા જણાવ્યું કે, વહાલી દીકરી યોજનામાં પ્રથમ ધોરણમાં ૪ હજારની સહાય, ધોરણ ૯માં ૬ હજારની સહાય અને જ્યારે દીકરી ૧૮ વર્ષની થાય ત્યારે લગ્ન માટે ૧ લાખની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે. સરકારે મહિલાઓની સુરક્ષાની પણ ચિંતા કરીને ૧૮૧ અભયમ શરૂ કરી. બેટી બચાવો બેટી પઢાઓમાં દીકરીઓને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ગંગા સ્વરૂપ બહેનોને દર મહિને ૧૨૫૦ની આર્થિક સહાય આપવામાં આવી રહી છે. બહેનોના આર્થિક ઉત્થાન માટે પીએમ સ્વનિધિ યોજનામાં ૧૦ હજારથી લઇ ૧ લાખ સુધીની લોન સહાય યોજનામાં મુકી છે એમ તેઓએ ઉમેર્યું હતુ.
આ પ્રસંગે મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મહિલાઓના ઉત્થાન માટે ઘણી યોજનાઓ અમલમાં મુકી છે. સરકારના મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા દીકરીઓ ૧૮ વર્ષની થાય ત્યાં સુધીનું આયોજન કરવામાં આવ્યું છે. ૮ માર્ચ આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીમાં ઉપસ્થિત કોલેજની વિદ્યાર્થીનીઓને ગામની દરેક મહિલાઓને સરકારની મહિલાલક્ષી યોજનાઓની માહિતી આપવા માટે આહવાન કર્યું હતું.
જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલે સરકારની મહિલાલક્ષી કલ્યાણ યોજનાઓની સરાહના કરતા કહ્યું હતું કે, સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી મહિલા કલ્યાણલક્ષી યોજનાઓથી માત્ર ગુજરાત નહિ જ નહિ પણ સમગ્ર દેશની મહિલાઓ પુરુષ સમોવડી બની સમાજમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. વધુ વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનો પોતાની જવાબદારી સમજી અન્ય બહેનોને પણ સરકારી યોજનાઓની જાણકારી આપી લાભ આપવામાં મદદ કરે એવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. સ્વાગત પ્રવચન કરતા સુરત જિલ્લાના મહિલા અને બાળ વિકાસ અધિકારી બાબુભાઈ ગામીતે કાર્યક્રમની રૂપરેખા આપી કાર્યક્રમનો આશય સ્પષ્ટ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500