Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એલપીજીનાં કોમર્શિયલ સિલિન્ડરનાં ભાવમાં રૂપિયા 102.50નો વધારો

  • May 02, 2022 

મે મહિનો શરૂ થતાં જ સામાન્ય માણસે વધુ એક વખત મોંઘવારીના મારનો સામનો કરવો પડયો છે. સરકારે હવેથી તા.1લી મેના રોજ ઉજ્જવલા દિવસ તરીકે ઊજવણી કરવાની જાહેરાત કરી છે તેવા સમયે જ સરકારી ઓઈલ કંપનીઓએ રાંધણ ગેસના 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં સતત ત્રીજા મહિને વધારો કર્યો છે. તા.1લી મેના રોજ એલપીજીના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 102.50નો વધારો કરાયો છે. જોકે, રાહતની વાત એટલી છે કે આ ભાવ વધારાની ગૃહિણીઓના રસોડા પર સીધી અસર નહીં પડે, પરંતુ પરોક્ષ અસરના ભાગરૂપે સામાન્ય નાગરિકોનું બજેટ ખોરવાઈ શકે છે. સરકારી ઓઈલ કંપનીઓએ આજથી 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડર પર રૂપિયા 102.50નો વધારો કર્યો છે.



નવા રેટ મુજબ નવી દિલ્હીમાં હવે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત રૂપિયા 2,253થી વધીને રૂપિયા 2355.50 થઈ ગઈ છે. અન્ય મહાનગરોમાં જોઈએ તો કોલકાતામાં તેની કિંમત પ્રતિ સિલિન્ડર રૂપિયા 2455, મુંબઈમાં રૂપિયા 2307, ચેન્નઈમાં રૂપિયા 2508 થઈ ગઈ છે. બીજીબાજુ પાંચ કિલોના એલપીજી સિલિન્ડરનો ભાવ રૂપિયા 655 થઈ ગયો છે. કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ મોટાભાગે હોટેલ, રેસ્ટો રન્ટ, ખાણી-પીણીની લારીઓ, લગ્નો-સમારંભો માટે ભોજન બનાવતા કેટરર્સ દ્વારા થતો હોવાથી આગામી સમયમાં હોટેલ-રેસ્ટોરાં તેમજ ખાણી-પીણીના ભાવમાં વધારો થવાની સંભાવના છે. કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં આ વધારો ગયા મહિનાની સરખામણીએ ઓછો છે. તા.1લી એપ્રિલના રોજ કોમર્શિયલ એલપીજીના ભાવમાં પ્રતિ સિલિન્ડર રૂપિયા 250નો વધારો કરાયો હતો.



જ્યારે તા.1લી માર્ચે કિંમતોમાં રૂપિયા 105નો વધારો થયો હતો. છેલ્લા ત્રણ મહિનામાં કોમર્શિયલ એલપીજીના ભાવમાં રૂપિયા 457.50નો વધારો થયો છે. અગાઉ ઓક્ટોબર 2021થી ફેબુ્રઆરી 2022 વચ્ચે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં રૂપિયા 170નો વધારો કરાયો હતો. જોકે, ઘરેલુ વપરાશ માટેના 14.2  કિલોના એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો નથી કરાયો. તેની કિંમત પ્રતિ સિલિન્ડર રૂપિયા 949.50 છે જ્યારે કેટલાક સ્થળો પર 14.2 કિલોના સિલિન્ડરની કિંમત રૂપિયા 1 હજાર સુધી પહોંચી ગઈ છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા.1લી મે 2016ના રોજ ઉત્તર પ્રદેશના બલિયામાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની શરૂઆત કરી હતી. મોદી સરકારની પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સમગ્ર દેશમાં ગરીબી રેખા નીચે આવતા લોકોને ગેસ સિલિન્ડર ઈશ્યુ કરવામાં આવે છે.



આ યોજના હેઠળ બીપીએલ કેટેગરીના દરેક પરિવારને એક મફત એલપીજી કનેક્શન આપવામાં આવે છે. આ યોજનાની સફળતાને પગલે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે તા.1લી મે 2022થી 'ઉજ્જવલા દિવસ' તરીકે ઊજવવાની શરૂઆત કરી છે. ઉજ્જવલા દિવસની ઊજવણીના ભાગરૂપે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન જેવી સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સમગ્ર દેશમાં રવિવારે 5 હજાર એલપીજી પંચાયતનું આયોજન કર્યું હતું. આ આયોજનોમાં લોકોને એલપીજીના સુરક્ષિત અને સતત ઉપયોગ અંગે માહિતી આપવાની સાથે કંપનીઓએ ગ્રાહકોનું એનરોલમેન્ટ વધારવા પર પણ ધ્યાન આપ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application