Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદન અંગે ભારતે કેનેડા સાથેના રાજકીય સંબંધો પર કડક વલણ અપનાવ્યું

  • January 17, 2024 

ભારત-કેનેડા વચ્ચેના વિવાદ હવે પહેલા જેવા રહ્યા નથી. નિજ્જરની હત્યા બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદન અંગે ભારતે કેનેડા સાથેના રાજકીય સંબંધો પર કડક વલણ અપનાવ્યું હતું. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં શિક્ષણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કેનેડા જાય છે. જોકે તાજેતરના ઘટનાક્રમમાં ભારતીય વિદ્યાર્થીઓનો મોહભંગ થવાની વાત સામે આવી છે. અહેવાલ અનુસાર, કેનેડાના ઈમિગ્રેશન મંત્રી માર્ક મિલરે પણ કહ્યું કે ભારતથી આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ભવિષ્યમાં વધશે તેની શક્યતા પણ ઓછી છે. કેનેડા જવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓને જે પરમિટ મળે છે તેમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. અહેવાલ અનુસાર લગભગ 86 ટકા ઓછા ભારતીય વિદ્યાર્થીઓને પરમિટ મળી છે.



કેનેડા સરકારના અધિકારીએ કહ્યું કે, ગત વર્ષની છેલ્લી ત્રિમાસિકમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો એવું એટલા માટે થયું કેમ કે ભારતે પરમિટની પ્રક્રિયા પૂરી કરનારા કેનેડાના રાજદ્વારીઓને દેશમાંથી બહાર કાઢી મૂક્યા હતા. તેનું એક પરિણામ એ પણ હતું કે કેનેડામાં અભ્યાસ માટે અગાઉની તુલનાએ ખૂબ ઓછા વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. ઈમિગ્રેશન મંત્રી મિલર કહે છે કે, બંને દેશો વચ્ચેના વણસેલા સંબંધોની અસર શિક્ષણ જગત પર થઇ રહી છે. વિવાદને લીધે ભારતથી ખૂબ ઓછા લોકો અરજી કરી રહ્યા છે. આ સાથે તેને પ્રોસેસ કરનારા અધિકારીઓની સંખ્યા પણ લગભગ અડધી થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે ગત ઓક્ટોબરમાં 41 કેનેડિયન રાજદ્વારીઓને ભારતથી તગેડી મૂકાયા હતા.



સત્તાવાર માહિતી અનુસાર, બંને દેશો વચ્ચે તંગદિલીને કારણે ગત વર્ષની ચોથી ત્રિમાસિકમાં ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવેલી પરમિટ ત્રીજી ત્રિમાસિકની તુલનાએ 86 ટકા સુધી ઘટી ગઇ હતી એટલે કે જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં કુલ 1,08,940 પરમિટ આપવામાં આવી હતી. જોકે ચોથી ત્રિમાસિકમાં માત્ર 14,910 વિદ્યાર્થીઓને જ પરમિટ મળી શકી. ઓટ્ટાવા ખાતેના ભારતીય હાઈ કમિશનના સલાહકાર સી ગુરુસ ઉબ્રમણિયમે જણાવ્યું હતું કે, કેનેડિયન સંસ્થાઓમાં હોસ્ટેલ અને શૈક્ષણિક ધોરણોમાં કથિત ઘટાડાને કારણે  ભારતથી આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અન્ય વિકલ્પો અંગે વિચારવા લાગ્યા છે. એ પણ રસપ્રદ છે કે, 2022માં કેનેડા જતા કુલ વિદ્યાર્થીઓમાંથી 41 ટકા ભારતીયો (2,25,835 વિદ્યાર્થીઓ) હતા. આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના જવાથી કેનેડાની આર્થિક સ્થિતિ પણ મજબૂત થાય છે. એક અંદાજ મુજબ તેનાથી કેનેડાની વાર્ષિક આવક લગભગ 22 બિલિયન કેનેડિયન ડોલર એટલે કે 16.4 બિલિયન અમેરિકી ડોલર થાય છે જે ભારતીય ચલણમાં આ રકમ 13.64 ટ્રિલિયન રૂપિયા થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application