વડોદરાનાં વાઘોડિયા ડભોઈ રિંગ રોડ પર આવેલી શ્રી નારાયણ વિદ્યાલયની દિવાલ ધરાશાયી થવાની ચકચારી ઘટનામાં શાળા સંચાલકો પર પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવે અને શાળાની માન્યતા પાછી ખેંચવામાં આવે તેવી માંગ સાથે આજે વડોદરા વાલી મંડળ દ્વારા ડીઈઓને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. જયારે આ સ્કૂલના ટ્રસ્ટીઓમાં વડોદરા શાળા સંચાલક મંડળના પ્રમુખ આરસી પટેલ અને ભાજપના કાઉન્સિલર નૈતિક શાહના પિતા અને બિલ્ડર દક્ષેશ શાહનો પણ સમાવેશ થાય છે. વાલી મંડળે કહ્યું હતું કે, વડોદરાની કેટલીક સ્કૂલોમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં બનેલી ઘટનાઓએ સ્કૂલોમાં ભણતા વાલીઓની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે.
તેમાં પણ નારાયણ સ્કૂલમાં દીવાલ પડવાની ઘટનામાં સંપૂર્ણપણે શાળા સંચાલકોની બેદરકારી છે અને આ બદલ સ્કૂલની માન્યતા સસ્પેન્ડ કરવામાં આવે તેમજ સ્કૂલને ભારે દંડ ફટાકરવામાં આવે, વાલી મંડળે કહ્યું હતું કે, નારાયણ સ્કૂલના સંચાલકોએ જર્જરિત ઈમારતમાં બાળકોને ભણવાની ફરજ પાડીને તેમની જિંદગી જોખમમાં મૂકવાનો ગુનો કર્યો છે. સ્કૂલની આસપાસના રહેવાસીઓએ પણ સ્કૂલના સંચાલકોને વારંવાર ચેતવ્યા હતા.
આમ છતાં સ્કૂલ સંચાલકોએ લોકોની ચેતવણીની ઉપેક્ષા કરીને ઉપરછલ્લું બાંધકામ હાથ ધર્યુ હતું. સદનસીબે દીવાલ પડી ત્યારે રીસેસનો સમય હોવાથી વધારે વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થતા બચી ગયા હતા. વાલી મંડળે એવું પણ કહ્યું હતું કે, સ્કૂલને એક મહિના પહેલા સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનુ સર્ટિફિકેટ આપનાર એન્જિનિયર તથા ઓક્યુપેશન સર્ટિફિકેટ આપનાર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી સામે પણ કાર્યવાહી થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, ગતરોજ બપોરે નારાયણ સ્કૂલની દીવાલ ધસી પડવાની ઘટનામાં ચાર વિદ્યાર્થીઓ ક્લાસમાંથી નીચે પટકાયા હતા અને તેમાંથી એક વિદ્યાર્થીને માથામાં ટાંકા લેવા પડ્યા હતા. સદભાગ્યે બીજા વિદ્યાર્થીઓને વધારે ઈજાઓ થઈ નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500