જુનાગઢ જિલ્લાના માણાવદરના માણાવદરમા વંથલી હાઇવે પર કપાસના દલાલ લૂંટાયા હતા. વંથલી હાઇવે પર ગૌશાળા નજીકથી રૂપિયા 9 લાખથી વધુની લૂંટ કરી લૂંટારા ફરાર થયા હતા. 3 લૂંટારાઓએ લૂંટને અંજામ આપ્યો હતો. જેમાં માણાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દિનેશભાઈ કાલરીયા નામના વ્યક્તિ લૂંટનો ભોગ બન્યા હતા. ભોગ બનનારને બાઈક પરથી નીચે પછાડી લૂંટ કરાઈ હતી. ઈજાગ્રસ્ત દિનેશ કાલરીયાને બાદમાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આવા સમાચાર બે દિવસ પહેલા સામે આવ્યા હતા. ત્યારે આ લૂંટમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે.
ફરયાદી BJP અગ્રણી દિનેશ કાલરીયા જ લૂંટનો આરોપી નીકળ્યો હતો. દિનેશ કાલરીયાએ લૂંટનો પ્લા બનાવીને 10 દિવસ સુધી પોલીસને ગોળ ગોળ ફેરવી હતી. વંથલી કોર્ટના 15 લાખ ભરવા પોતે લૂંટાયાનો પ્લાન ઘડ્યો હતો અને મિલના 9.30 લાખ ચાંઉ કરી પોલીસને કહ્યું કે, મને 3 લોકોએ લૂંટી લીધો હતો. બન્યું એમ હતું કે, જૂનાગઢ જિલ્લાના માણાવદર પોલીસ મથકમાં ગત તારીખ 13 માર્ચના 9 લાખ 31 હજારની ત્રણ અજાણ્યા શખ્સોએ લૂંટ કરી હોવાની ફરિયાદ દિનેશ કાલરીયાએ નોંધાવી હતી.
ફરિયાદી દિનેશ કાલરીયા કપાસનું પેમેન્ટ આવેલ જે સનલાઈટ કોટેક્સ મિલમાં આપવા જતી વખતે રસ્તામાં ત્રણ અજાણ્યા શખ્સોએ 9 લાખ 31 હજારની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ નોંધાવતા માણાવદર પોલીસે ઊંડાણપૂર્વકની તપાસમાં લાગી હતી. પોલીસે રસ્તાના સીસીટીવી ચેક કર્યા હતા. જેમાં ફરિયાદી દિનેશ કાલરીયા જ અસલી આરોપી નીકળ્યો હતો. વંથલી કોર્ટમાં આવનાર ચુકાદામાં 15 લાખ જેટલી રકમ ભરવાની થાય તેમ હોવાથી આ 9 લાખ 31 હજારનું પેમેન્ટ આપવું ન પડે તે માટે તેણે લૂંટનું તરખટ રચ્યુ હતું.
આ માટે તેણે પોલીસને ગુમરાહ કરતા પોલીસ તપાસમાં વિસંગતતા જણાઈ હતી. આખરે ફરિયાદી દિનેશ કાલરીયા જ આરોપી નીકળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ફરિયાદી દિનેશ કાલરીયા માણાવદર નગરપાલિકામાં પૂર્વ પ્રમુખ પણ રહી ચુક્યો છે અને નગરપાલિકાનો જ કેસ વંથલી કોર્ટમાં ચાલતો હોવાથી આ સમગ્ર નાટક ભજવી પોલીસને ચગડોળે ચડાવતા ખુદ ફરિયાદી જ આરોપી તરીકે પોલીસ સકંજામાં આવી ગયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500