Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મેંગો ફેસ્ટીવલમાં ૫૦થી વધુ સ્ટોલ પર કેરીઓની સ્થાનિક તેમજ વિદેશી મળી ૧૧૩ જાતોનું પ્રદર્શન અને કેરી હરીફાઈ થશે

  • May 28, 2023 

જિલ્લામાં ૩૫૦ ખેડૂતોનું Agricultural and Processed Food Products Export Development Authority (APEDA) હેઠળ રજિસ્ટ્રેશન કરાયું વલસાડ જિલ્લાની આબોહવા આંબા પાક માટે ખૂબ જ અનુકૂળ હોવાથી કેરીના પાક માટે વલસાડ દેશ વિદેશમાં પ્રખ્યાત છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અને આંતરરાષ્ટ્રીય મીલેટ્સ વર્ષ અંતર્ગત કેરી પાકનું મહત્વ વધારવા તેમજ સ્થાનિક ખેડૂતોને તેમની કેરીના સારા ભાવ મળી રહે તે હેતુથી તા.૨૭ અને ૨૮ મે ના રોજ તીથલ બીચ પર મેંગો ફેસ્ટીવલ ૨૦૨૩નું પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે. જે સંદર્ભે તા.૨૬ મેના રોજ વલસાડ જિલ્લા ખેતીવાડી કચેરી, બાગાયત કચેરી અને આત્મા પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે વલસાડ કલેકટર કચેરીના સભાખંડમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.





પત્રકાર પરિષદમાં જિલ્લા બાગાયત કચેરીના નાયબ નિયામકએ જણાવ્યું કે, સ્થાનિક લોકોને ખેડૂતોના ખેતરેથી સીધી કેરી મળી રહે તે હેતુથી મેંગો ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખેડૂતો તેમની કેરી સીધી ખેતરથી લાવી ગ્રાહકોને સારી ગુણવત્તાની તેમજ વિવિધ જાતોની કેરી એક જ સ્થળ પર મળી રહે તે માટે ૫૦થી વધુ સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટોલમાં કેરી પ્રોસેસિંગને લગતી કંપનીઓ, નિકાસકારો, ફાર્મર પ્રોડ્યુસર કંપનીઓ, બેંક તેમજ સખી મંડળને પણ સ્ટોલ આપવામાં આવ્યા છે. કંપનીઓ અને ખેડૂતોની સીધી મુલાકાત થાય અને તેમની કેરી કંપનીઓ સીધી જ ખરીદી કરે તે હેતુથી ખેડૂત અને કંપનીઓ વચ્ચે એમઓયુ થાય તેના પણ પ્રયત્નો મેંગો ફેસ્ટિવલ થકી કરવાનો ઉદેશ છે.






વલસાડની કેરી વિદેશમાં પણ વખણાઈ રહી છે. વલસાડ જિલ્લામાં ૩૫૦ ખેડૂતોનું Agricultural and Processed Food Products Export Development Authority (APEDA) હેઠળ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જેઓ એક અંદાજ મુજબ ૧૦૦ ટન કેરીની નિકાસ કરી વિદેશી હૂંડિયામણ મેળવી રહ્યા છે. જિલ્લા ખેતીવાડી અધિકારી એ.કે.ગરાસિયાએ જણાવ્યું કે, મેંગો ફેસ્ટીવલ દરમિયાન ખેડૂતોને વૈજ્ઞાનિક પધ્ધતિથી આંબા પાકની ખેતી, રોગ જીવાત નિયંત્રણ, કાપણી પછી મૂલ્યવર્ધન અને વ્યવસ્થાપન તેમજ બાગાયત, ખેતીવાડી અને આત્મા વિભાગમાં ચાલતી વિવિધ યોજનાઓની માહિતી પણ મળી રહે તે માટે ખેડૂત સેમિનારનું પણ આ મહોત્સવમાં આયોજન કરાયું છે. આત્મા પ્રોજેક્ટના ડાયરેકટર ધીરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, જિલ્લામાં હાફુસ અને કેસરનું જ વેચાણ તથા વાવેતર વધુ પ્રમાણમાં થાય છે.





હાલ જિલ્લામાં કુલ ૩૭૩૪૪ હેકટર વિસ્તારમાં આંબા પાકનું વાવેતર છે. જેમાંથી ૨૦થી ૨૨ હજાર હેક્ટરમાં કેસર, ૯ થી ૧૦ હજાર હેક્ટરમાં હાફૂસ અને બાકીના હેક્ટરમાં અન્ય કેરીનું વાવેતર છે. મેંગો ફેસ્ટીવલમાં કેરીઓની સ્થાનિક તેમજ વિદેશી મળી ૧૧૩ જાતોનું પ્રદર્શન અને કેરી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે પ્રાકૃતિક ખેતીનો સ્ટોલ પણ લગાવાયો છે. એપીએમસીના ભાવ મુજબ લોકો સ્ટોલ પરથી કેરી ખરીદી શકશે. ખેડૂતોને કેરીના પાક અંગે માર્ગદર્શન મળી રહે તે માટે પરિસંવાદનું પણ આયોજન કરાયું છે. વચેટીયાઓને દૂર કરવા માટે નાબાર્ડ દ્વારા ૮ એફપીઓ શરૂ કરવામાં આવ્યા છે. જેથી ખેડૂતો પોતાનો માલ સીધી વેચી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application