લાંબા સમયથી ગેરહાજર રહેતા તથા વિદેશમાં મ્હાલતા શિક્ષકોની તપાસ ગાંધીનગર જિલ્લામાં પણ શરૂ કરવામાં આવી છે. તેના અંતર્ગત સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની સાથે સરકારી અનુદાન મેળવતી શાળાઓમાં પણ તપાસના આદેશ અપાયા છે. ચારે તાલુકામાં આવા કિસ્સામાં જુની ફાઇલો ખોલીને વિગતો મેળવવા માટે અધિકારીઓ દ્વારા તંત્રને દોડતું કરી દેવામાં આવ્યું છે અને ક્ષતિ જણાયે તેમાં કાયદેસરની કાર્યવાહી કરાશે. મહેસાણા સહિત જિલ્લામાં ચાલુ નોકરીએ રજા મુકીને શિક્ષકો વિદેશ જતાં રહ્યાના અને તેઓ ગેરહાજર હોવા છતાં હાજર દર્શાવાઇ રહ્યાના કિસ્સા સમો આવ્યાની સાથે તંત્ર ઉંઘતા રહ્યાં હોવાના આક્ષેપ થયાના પગલે સરકાર સફાળી જાગી છે.
ત્યારે નોંધવું રહેશે, કે ગાંધીનગર સહિત કોઇ જિલ્લા આવાં તરકટોથી મુક્ત રહેલાં નથી. ગાંધીનગર જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તંત્રમાં ભૂતકાળમાં આવા બનાવો ચર્ચાનો વિષય બનવાની સાથે સત્તાવાર સરકારી ચોપડે ચઢી ચૂકેલા છે. દરમિયાન શિક્ષણ મંત્રી દ્વારા રાજ્યવ્યાપી તપાસના આદેશ આપીને કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરવામાં આવતાં ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારી અને ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા શાળાવાર વિગતો મંગાવાઇ છે. જે રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરાશે.
જિલ્લામાં ગાંધીનગર, કલોલ, માણસા અને દહેગામના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસેથી તાલુકાઓની તમામ શાળાઓમાં આ વિષયે શિક્ષકોની તપાસ કરીને વિગતવારનો અહેવાલ મોકલવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.પિયુષ પટેલ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, રિપોર્ટના આધારે કસુરવાનો સામે નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે. નોંધવું રહેશે, કે ગાંધીનગર જિલ્લામાં શિક્ષકોના વિદેશ ગમનના પાંચેક કિસ્સાઓ ખુલે તેવી શક્યતા જોવાઇ રહી છે.
ભૂતકાળમાં આ કિસ્સા ચર્ચાનો વિષય પણ બની ચૂક્યાં છે. ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારી ડો.બી.એન. પ્રજાપતિએ જણાવ્યું કે જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પણ આ વિષયે તપાસ શરૂ કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારીએ એમ પણ જણાવ્યું કે ત્રણ મહિના કે તેથી વધુ સમયથી શાળામાં ગેરહાજર શિક્ષકો ઉપરાંત વિદેશ જવાના કારણ બતાવીને જ રજા પર ગયેલા શિક્ષકોની હાજરીના મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. વધુમાં એમપણ જણાવ્યું કે આ તપાસનો દોર માત્ર સરકારી શાળાઓ પુરતો મર્યાદિત નહીં રાખતા અનુદાનિત શાળાઓ સુધી લંબાવવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500