સુરત શહેરમાં અસામાજિક તત્ત્વોનો આતંક સતત વધી રહ્યો છે. ત્યારે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા થયા છે. શહેરમાં યુવતીઓની સુરક્ષાને લઈ પોલીસ દ્વારા કરવામાં આવતા દાવાને પડકાર આપતો એક કિસ્સો ડીંડોલી વિસ્તારમાં બન્યો છે. અહીં, કેટલાક અસામાજિક તત્ત્વોએ પસાર થતી બે યુવતીઓને રસ્તામાં રોકી મોબાઇલ નંબર માગ્યો હતો અને જ્યારે યુવતીઓએ નંબર આપવાનો ઇનકાર કર્યો તો યુવકોએ ચપ્પુ બતાવી જાનથી મારવાની ધમકી આપી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
બંને યુવકે યુવતીઓને ચપ્પુ બતાવી ડરાવી હતી
માહિતી મુજબ, સુરતના ડીંડોલી વિસ્તારમાં બે જેટલા અસામાજિક તત્ત્વો દ્વારા રસ્તા પર ચાલતી બે યુવતીઓને રોકવામાં આવી હતી અને પછી તેમની પાસેથી મોબાઇલ નંબર આપવા કહ્યું હતું. જો કે, યુવતીઓએ મોબાઇલ નંબર આપવાથી ઇનકાર કર્યો હતો. આથી બંને યુવકોએ ચપ્પુ બતાવી યુવતીઓને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો અને બળજબરી મોબાઇલ નંબર લેવાની કોશિશ કરી હતી. જો કે, યુવતીઓ ત્યાંથી ભાગી ઘરે પહોંચી હતી અને પરિવારના સભ્યોને સમગ્ર ઘટના અંગેની જાણ કરી હતી. યુવતીના પરિવારજનોએ ડીંડોલી પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી.
ઘટના સીસીટીવીમાં કેદ
આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ફરિયાદ બાદ ડીંડોલી પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. જોકે, અત્યાર સુધી આરોપી બંને યુવક પોલીસની પકડથી દૂર છે. પોલીસે આરોપી યુવકોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આરોપીઓને જલદી પકડી યોગ્ય સજા કરવા માગ કરાઈ રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500