વ્યારાનાં વડકુઈ ગામમાં સ્મશાન પાસે વળાંકમાં અચાનક સળિયા ભરેલો ટેમ્પો પલટી જતા કેબિનમાં બેસેલી ત્રણ મહિલાઓ તેમજ બાળકને ઈજા થઈ હતી. જોકે ગંભીર ઈજાને લીધે ચાર માસનાં બાળકનું કરુણ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં ઉંચામાળાના ગામના રહીશ પ્રતાપભાઈ અણુમથક પ્લાન્ટમાં પ્રાઈવેટ નોકરી કરે છે. તેમના મકાનનું બાંધકામ ચાલતું હોવાથી સળિયાની જરૂર પડી હતી.
ગત તારીખ 09/04/2025 નાંરોજ દિશાબેન પ્રતાપભાઈ ચૌધરી (ઉ.વ.૨૫) તથા તેમનો દીકરો આરૂન જેની ઉંમર ૪ માસ ૨૬ દિવસ તથા તેમના સાસુ નીતાબેન રવિન્દ્રભાઈ તથા દાદી ચણકીબેન છનાભાઈ ચૌધરી ગામનો એક ટેમ્પો લઇને ઉમકકુવા ગામે માસી સાસુ રૂમાબેનને ત્યાં વધેલા સળિયા ભરી લેવા માટે ગયા હતા. જેથી ગામનો બોલેરો પીકઅપ ટેમ્પો નંબર GJ/26/T/4919માં સળિયા ભરીને રાત્રિ દરમિયાન તેઓ પરત ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન ટેમ્પા ચાલક મુકેશભાઈ રમણભાઈ ચૌધરીએ વડકુઈ ગામમાં ભાઠી ફળિયામાં સ્મશાન પાસે વળાંકમાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ટેમ્પો પલટી મારી ગયો હતો.
ટેમ્પોનાં કેબિનમાં બેસેલ નીતાબેનને તેમજ અન્ય બે મહિલાઓને પણ ઈજા થઈ હતી. જયારે માસુમ બાળક આરૂનને માથાના ભાગે તથા શરીરે ઇજા થતા તેનું મોત થયું હતું. આમ, ઘર બાંધકામ કરવા સળિયા લેવા ગયેલ પરિવારે એકમાત્ર માસુમ દીકરાને ગુમાવ્યો હતો. બનાવ અંગે દિશાબેન ચૌધરીએ તારીખ 10/04/2025 નાંરોજ કાકરાપાર પોલીસ મથકે ટેમ્પોના ચાલક મુકેશ ચૌધરી સામે ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500