ભારતના પાડોશી દેશો અત્યારે આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યાં છે. શ્રીલંકા બાદ હવે પાકિસ્તાન પણ આર્થિક ભીંસમાં છે. પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે આર્થિક પણ ખસ્તાહાલ છે. કુદરતી આપત્તિએ પણ આફત નોતરી છે. પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં ભીષણ પૂરે તારાજી સર્જી છે.
મોંઘવારીને કારણે સામાન્ય જનતાના હાલ બેહાલ
આ પ્રતિકૂળ પરિસ્થિતિઓ વચ્ચે મોંઘવારીને કારણે સામાન્ય જનતા ત્રસ્ત છે. ખાદ્યપદાર્થો પણ સામાન્ય લોકોની પહોંચથી દૂર થઇ રહ્યાં છે. લોકો શાકભાજી ખરીદવા માટે પણ અસમર્થ છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાનમાં ટામેટા 500 રૂપિયા કિલો તો ડુંગળી 400 રૂપિયા કિલોના ભાવે વેચાઇ રહી છે.
શાકભાજીની આવક ઓછી,આયાત કરવાનો વિચાર
લાહોરના શાક માર્કેટના ડીલર અનુસાર સ્થાનિક માર્કેટમાં ટામેટા અને ડુંગળીની સતત વધતી કિંમતોને કારણે હવે આ શાકભાજીની આયાત કરવાની યોજના છે. પૂરને કારણે અનેક વિસ્તારોમાં શાકભાજી અને પાકને મોટા પાયે નુકસાન થયું છે. ખાદ્ય સંકટ તોળાઇ રહ્યું છે. લાહોર સહિત પાકિસ્તાનના પંજાના અનેક વિસ્તારોમાં પણ કિંમતો આસમાને જોવા મળી રહી છે.
પૂરને કારણે શાકભાજીની સપ્લાય પણ અટકી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગત રવિવારે પાકિસ્તાનમાં ટામેટા 500 રૂપિયા કિલો જ્યારે ડુંગળી 400 રૂપિયા કિલોના ભાવે વેચાઇ રહી હતી. પૂરને કારણે બલૂચિસ્તાન,સિંધ અને દક્ષિણ પંજાબથી શાકભાજીની સપ્લાય થઇ રહી નથી. શાકભાજીની અછતને જતા અંદાજ લગાવાઇ રહ્યો છે કે આગામી દિવસોમાં ટામેટા અને ડુંગળીની કિંમતો કિલો દીઠ 700 રૂપિયાના આંબે તેવી સંભાવના છે. જ્યારે બટેકાની કિંમત પણ 120 રૂપિયા સુધી પહોંચી જાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500