Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઘાટ માર્ગો ઉપર ધરાશાઈ થયેલા વૃક્ષોને ફોરેસ્ટ ફોર્સના જવાનોએ તાત્કાલિક હટાવવાની કામગીરી હાથ ધરી

  • July 11, 2022 

ડાંગ જિલ્લામાં ખાબકેલા મુશળધાર વરસાદને પગલે ઠેર ઠેર ખાનાખરાબી સર્જાવા પામી હતી. વિશિષ્ટ ભુપૃષ્ઠ ધરાવતા ડુંગરાળ ડાંગ જિલ્લામાં ઠેર ઠેર ઘાટ માર્ગો, ડુંગરો, ખીણો, અને ઘનઘોર જંગલ આવેલા છે. આ સંજોગોમા મુશળધાર વરસાદને કારણે ઠેર ઠેર નદી, નાળા, કોતરોમાંથી વરસાદી પાણી સાથે જમીનનું મોટા પાયે ધોવાણ થવાથી, ઠેર ઠેર વૃક્ષો ધરાશાઈ થવા, માટી, પથ્થરો, અને મલબો ડુંગરો ઉપરથી નીચેની તરફ ધસી પડવા જેવા બનાવો બનતા હોય છે. જેને લઈને સામાન્ય આવાગમન અવરોધાતા જનજીવન ઉપર તેની વિપરિત અસરો પડતી હોય છે.




આવા સંજોગોમાં તાત્કાલિક બચાવ રાહત કામગીરી માટે સ્થાનિક વહીવટી તંત્રની નિગરાની હેઠળ ડાંગની ફોરેસ્ટ ફોર્સ અને પોલીસ ફોર્સના જવાનો, વરસતા વરસાદ વચ્ચે, દિવસ રાત જોયા વિના જનજીવનને પ્રભાવિત થતુ અટકાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. નાયબ વન સંરક્ષક તરફથી મળેલી વિગતો અનુસાર, તાજેતરમાં ખાબકેલા અનરાધાર વરસાદને પગલે ડાંગ જિલ્લામાં ઘાટ માર્ગો ઉપર ધરાશાઈ થયેલા વૃક્ષોને ફોરેસ્ટ ફોર્સના જવાનોએ તાત્કાલિક હટાવવાની જહેમત ઉઠાવી હતી.




તે રીતે જિલ્લા પોલીસ અધિક્ષક તરફથી મળેલી વિગતો મુજબ, ગિરિમથક સાપુતારાનાં ઘાટ માર્ગ ઉપર ધસી આવેલી માટી, પત્થરો, અને મલબો હટાવવાની કામગીરી પોલીસનાં જવાનોએ હાથ ધરીને, યાતાયાત રાબેતા મુજબ ચાલુ રહે તે સુનિશ્ચિત કર્યું હતુ કાર્યપાલક ઈજનેરના જણાવ્યા અનુસાર, રાજ્ય માર્ગ અને મકાન વિભાગ હસ્તકના સાતે સાત માર્ગો ઉપર જે.સી.બી. સહિત તેમના લાશ્કરોએ સતત ઉપસ્થિત રહી, અવરોધાયેલા માર્ગોને તુરંત યાતાયાત માટે સુલભ બનાવ્યા હતા.




આમ, ફોરેસ્ટ અને પોલીસ ફોર્સનાં ખાખીધારી જવાનો સાથે માર્ગ મકાન વિભાગના કર્મયોગીઓએ આપાતકાલિન સ્થિતિમા ત્વરિત બચાવ રાહત કામગીરી હાથ ધરી, હમ સાથ સાથ હે નો સંદેશ વહેતો કર્યો હતો. ડાંગ કલેકટરએ ડાંગ જિલ્લા વહીવટી તંત્રની આ ટિમ ભાવનાને બિરદાવી, કર્મયોગીઓના કાર્યની સરાહના કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application