Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લામા ૨૪ માર્ગો આવાગમન માટે બંધ,૩૬ ગામો પ્રભાવિત

  • July 16, 2022 

ડાંગ જિલ્લામા  સવારના ૬ થી ૪ વાગ્યા સુધીના દસ કલાક દરમિયાન જિલ્લામા સરેરાશ ૪૧.૫ મી.મી. જેટલો વરસાદ નોંધાયો છે.

વરસાદ

જિલ્લા ફ્લડ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર છેલ્લા દસ કલાકમા આહવા ખાતે ૩૫મી.મી., વઘઇ ખાતે ૫૬ મી.મી., સુબિર ખાતે ૨૮મી.મી., અને સાપુતારા વિસ્તારમા ૪૭મી.મી. વરસાદ નોંધાતા, અહીં સરેરાશ ૪૧.૫મી.મી. વરસાદ નોંધાઇ ચુક્યો છે. આ સાથે આહવા ખાતે મોસમનો કુલ વરસાદ ૧૬૨૩મી.મી., વઘઇનો૧૬૪૮ મી.મી., સુબિર તાલુકાનો ૧૫૨૧મી.મી., અને સાપુતારા પંથકનો મોસમનો કુલ૧૩૭૭ મી.મી. વરસાદ નોંધાઈ ચુક્યો છે. આમ, ડાંગ જિલ્લામા આ લખાઈ છે ત્યાં સુધી એટલે કે સાંજના ચાર વાગ્યા સુધી સરેરાશ ૧૫૪૨.૨૫ મી.મી. વરસાદ નોંધાવા પામ્યો છે.​


સાબદુ તંત્ર

ડાંગમા ભારે વરસાદને કારણે ઉદ્ભવેલી સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ, કલેકટર શ્રી ભાવિન પંડ્યા વહીવટી તંત્રના તમામ અધિકારીઓ તેમની સાથે પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા અને, જનજીવન રાબેતા મુજબ ધબકતુ રહે તે માટે રાતદિવસ કવાયત કરી રહ્યા છે.


તાજા ખબર

દરમિયાન આજે શામગહાન સાપુતારા નેશનલ હાઈ વે નંબર ; ૯૫૩ ઉપર માલેગામના ઘાટ માર્ગમા ફરી એકવાર ભેખડો ધસી આવતા, હાઈ વે ઓથોરિટીની ટીમે આ મલબો હટાવી માર્ગ વાહન વ્યવહાર યોગ્ય કર્યો હતો, તેમ NH ના નાયબ ઈજનેર સુશ્રી ધર્મા ભટ્ટે જણાવ્યુ હતુ.જયારે ખાપરી-ગોળસ્ટા વચ્ચે વીજપોલ ધરાશાઇ થતા વીજકર્મીઓએ ભારે જહેમત બાદ દુરસ્તી કામ કરી વીજ પુરવઠો પૂર્વવત કર્યો હતો. તો હિંદળા, પીપલાઈદેવી, અને કિરલી ખાતે નુકશાન પામેલી વીજ લાઈનનુ દુરસ્તી કામ પણ વીજકર્મીઓએ હાથ ધર્યું હતુ. તેમ DGVCL ના નાયબ ઈજનેર શ્રી વિજય પટેલે જણાવ્યુ હતુ.


પશુમૃત્યુ

દરમિયાન સુબીર તાલુકાના જામન્યામાળ ગામના પશુપાલક શ્રી જાનુભાઈ નવસુભાઈ બરડેનો એક બળદ, કે જે ગત તા.૧૨ જુલાઈના રોજ પૂરના પાણીમા તણાઈ જવા પામ્યો હતો, તે તા.૧૪મી રોજ મૃત હાલતમા મળી આવ્યો છે. તો હાડોળ ગામના પશુપાલક શ્રી રમેશભાઈ નવસેભાઈ વૈજલ નો એક પાડો, તા.૧૪મી ના રોજ શેડ તૂટી પડવાથી દબાઈ ગયો હોઈ મૃત્યુ પામ્યો છે. તેમ, પશુપાલન અધિકારી શ્રી હર્ષદ ઠાકરે તરફથી મળેલી વિગતોમા જણાવાયુ છે.


તંત્રની જહેમત

ચોમાસામા ખીલી ઉઠતી ડાંગની પ્રકૃતિના અણમોલ નજારાને માણવા, અને ડાંગની સુંદરતાને મનભરીને જોવા માટે, પ્રકૃતિપ્રેમી પ્રવાસીઓના ટોળેટોળા ડાંગ તરફ આવતા હોય છે. ત્યારે અહીં કોઈ અનિચ્છનિય બનાવ ન બને, અને જાહેર માર્ગો ઉપર યાતાયાત નિર્વિઘ્ને ચાલુ રહે તે માટે કલેકટર શ્રી ભાવિન પંડ્યાની નિગરાની હેઠળ સ્થાનિક પોલીસ તંત્રના જવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

પર્યટકો અને પ્રજાજનોને અપીલ

કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ પણ પર્યટકોને, વન વિસ્તારમા નદી, નાળા, જળધોધ પાસે જોખમી રીતે સેલ્ફી અને ફોટોગ્રાફી ન કરવાની અપીલ કરવા સાથે, જાહેર માર્ગો ઉપર આડેધડ વાહનો પાર્ક નહિ કરવા, તથા ગફલતભરી રીતે વાહનો નહિ હંકારવાની તાકીદ કરી છે.

ખેડૂતોને સલાહ

આઈ.એમ.ડી. દ્રારા પ્રાપ્ત થયેલ આગાહી મુજબ તા.૧૬ થી ૨૦ જુલાઈ-૨૦૨૨ના રોજ છૂટાછવાયા વિસ્તારોમા હળવાથી ભારે વરસાદની સંભાવનાહોવાથી ખેડૂતોને આ સમય દરમિયાન, ખેતરમાંથી વધારાના પાણીના નીકાલ માટે યોગ્ય વ્યવસ્થાપન કરવાની સલાહ કૃષિ હવામાનશાસ્ત્ર શ્રી એસ.એન.ચૌધરી, કે.વી.કે.વઘઈ દ્વારા આપવામા આવી છે.



અવરોધાયેલા માર્ગો

ડાંગમા ભારે વરસાદને પગલે આ લખાઈ છે ત્યારે એટલે કે સાંજે ચાર વાગ્યાની સ્થિતિએ ડાંગ જિલ્લાના ૨૪ જેટલા માર્ગો, અને લો લેવલ કોઝ વે ઉપર પાણી ફરી વળતા આ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે.

જિલ્લાના જે માર્ગો અસરગ્રસ્ત થયા છે તેમા(૧) સતી-વાંગણ-કુત્તરનાચ્યા રોડ, (૨) બોરખલ-ગાયખાસ-ચવડવેલ રોડ, (૩) ચિકટીયા-ગાઢવી રોડ, (૪) આંબાપાડા વી.એ. રોડ,(૫)કાકડવિહીર-ખેરીન્દ્રા-ચમારપાડા રોડ, (૬) પીપલદહાડ-જોગથવા રોડ,(૭), ઢાઢરા વી.એ.રોડ, (૮) ખાતળ ફાટક થી ઘોડી રોડ, (૯) કુડકસ-કોશિમપાતળ રોડ, (૧૦) દોડીપાડા-ચિકાર ફળિયા રોડ, (૧૧) સુસરદા વી.એ.રોડ, (૧૨) ચીખલદાવી.એ.રોડ, (૧૩) આહેરડી-બોરદહાડ રોડ, (૧૪) નાનાપાડા-કુમારબંધ-બોરદહાડ રોડ, (૧૫)ઘોડવહળ વી.એ.રોડ, (૧૬) માછળી-ચીખલા-દિવડયાવન રોડ, (૧૭) વાંઝટઆંબા-કોયલીપાડા રોડ, (૧૮) ચિંચલી-લવચાલી રોડ, (૧૯) પાતળી-ગોદડીયા રોડ, (૨૦) કાલીબેલ-પાંઢરમાળ-વાંકન રોડ, (૨૧), (૨૨) શિંગાણા-ધુલદા રોડ, (૨૩) પીપલાઈદેવી-જુનેર-ચીંચવિહિર-પીપલદહાડ રોડ, અને (૨૪) લવચાલી-ચિંચલી રોડ.

આ માર્ગો બંધ થવાથી ૪૮ ગામો અસરગ્રસ્ત થવા પામ્યા છે.વહીવટી તંત્રે વાહનચાલકોને આ માર્ગોને બદલે સૂચવેલ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application