Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીનાં બાબેન ગામે બે પરિવાર વચ્ચે નજીવી બાબતમાં ઝઘડો થતાં મામલો પોલીસ મથકમાં પહોંચ્યો

  • April 07, 2023 

બારડોલી તાલુકાનાં બાબેન ગામે રાજીવ નગરમાં રહેતા બે પરિવાર વચ્ચે નજીવી બાબતમાં ઝઘડો થતાં એક જણે 20 વર્ષીય યુવતીને છીણકું (બળતું લાકડું) ચાંપી ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, બારડોલીનાં બાબેન ગામનાં રાજીવ નગરમાં નજમાબેન નુરમહમદ ખટિક તેમના પરિવાર સાથે રહે છે. તેમના ઘરની નજીકમાં જ ચંચન સંજયભાઈ ચૌહાણનો પરિવાર રહે છે. જયારે બુધવારે સાંજે બંને પરિવાર વચ્ચે ઝઘડો થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ લીધી હતી.






જેમાં નજમાબેન ખટિકે ચંચન સંજયભાઈ ચૌહાણ, તેમની પત્ની રમિલાબેન ઉપરાંત અન્ય પરિવારજનો શેખરભાઇ, ઉષાબેન ઉર્ફે દાકલી, મનિશાબેન, રોશની અને સવિતાબેન વિરુદ્ધ આપેલી ફરિયાદ અનુસાર બુધવારે સાંજે નજમાબેન નુરમહમદ ખટિકને તેના મોટા પુત્ર અંસારએ બાજુમાં રહેતા દિલસાદ ગુલાબનબી ખટિકને ત્યાં લાઇટ ચાલુ હોય તે બાબતે બોલાચાલી કરી હતી. તે સમયે ચંચનભાઈની પત્ની રમિલા ત્યાંથી પસાર થતી હોય અંસાર તેને ગાળ દેતો હોવાનું લાગતાં તેણે આ વાત તેના પતિ ચંચનને કરતાં ચંચન નજમાબેનના ઘરે આવ્યો હતો. ચંચન અંસાર સાથે ગાળાગાળી કરવા લાગ્યો હતો.






ત્યારબાદ તેમની સાથે શેખર, ઉષાબેન, મનીષાબેન, સવિતાબેન, રોશનીબેન પણ આવી ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દરમ્યાન ચંચન ઘરમાં સળગાવેલ ચૂલામાંથી છીણકું લઈ આવ્યો હતો અને નજમાની પુત્રી મુસ્કાનનાં પગમાં ચાંપી દેતાં તેને ઇજા થઈ હતી. એ જ રીતે ચંચન ચૌહાણે અંસાર નુરમોહમદ ખટિક, મુસ્કાન નુરમોહમદ ખટિક અને નઝમા નુરમોહમદ ખટિક  સામે ફરિયાદ આપી હતી. જેમાં જણાવ્યુ છે કે, ચંચનની પત્ની સાંજે દુકાનથી સામાન લઈ પરત ફરી રહી હતી તે સમયે અંસાર નૂર મોહમ્મદે બીભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી ચંચનની અંધ માતા સવિતાબેન નઝમાને કહેવા જતાં નઝમા અને તેની દીકરી મુસ્કાને પણ ગાળાગાળી કરી હતી. આ દરમ્યાન પોલીસ સ્થળ પર પહોંચી જતાં પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application