Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલનું નિવેદન - દેશમાં વસ્તી નિયંત્રણ માટે કાયદો બનાવવાની જરૂરિયાત

  • June 01, 2022 

દેશમાં વસ્તી નિયંત્રણ માટે કાયદો બનાવવાની જરૂરિયાત પર કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ રાજ્ય મંત્રી પ્રહલાદસિંહ પટેલે કહ્યું કે, આ પ્રકારના કાયદાને ટૂંક સમયમાં લાવવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પટેલનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે થોડા સમય અગાઉ જ કેન્દ્ર સરકાર સંસદમાં વસ્તી નિયંત્રણ કાયદાને લાવવાની જરૂરિયાત પર ઈનકાર કરી ચૂકી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં બીજેપી સાંસદ રાકેશ સિન્હાની તરફથી રજૂ કરવામાં આવેલ વસ્તી નિયંત્રણ બિલ પર કહ્યું હતું કે, લોકો પર દબાણ મૂકવાને બદલે સરકાર તેમને વસ્તી નિયંત્રણ માટે સફળતા પૂર્વક જાગૃત કરી રહી છે.






કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ રાયપુરમાં બરોડાના આઈસીએઆર-નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ બાયોટિક સ્ટ્રેસ મેનેજમેન્ટ સંસ્થામાં આયોજિત 'ગરીબ કલ્યાણ સમ્મેલન'માં ભાગ લેવા માટે ગયા હતા. ત્યારબાદ હોટલમાં પત્રકાર પરિષદ દરમિયાન પત્રકારોએ પ્રહલાદ પટેલને વસ્તી નિયંત્રણ કાયદાને લઈને સવાલ પૂછ્યો હતો. તેના પર તેમણે કહ્યું કે, આ કાયદાને ટૂંક સમયમાં લાવવામાં આવશે. ચિંતા ન કરો. જ્યારે આ પ્રકારના મજબૂત અને મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે તો બાકીને પણ પૂરા કરવામાં આવશે.




અગાઉ પણ વસ્તી નિયંત્રણ કાયદા અંગે દેશમાં ચર્ચા ચાલી રહી હતી. જૂલાઈ 2019માં બીજેપી સાંસદ રાકેશ સિન્હાએ રાજ્યસભામાં વસ્તી નિયંત્રણ સાથે સબંધિત પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કર્યું હતું. આ બિલમાં બે બાળકો વાળો નિયમ લાગુ કરવા અને તેના ઉલ્લંઘન પર દંડાત્મક કાર્યવાહી નક્કી કરવાની માંગ કરી હતી. તેના પર તા.2 એપ્રિલ 2022ના રોજ સ્વાસ્થ્ય મંત્રાલય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ સંસદમાં કહ્યું હતું કે, આ બિલની કોઈ જરૂર નથી. આ બિલપરની ચર્ચાના જવાબમાં તેમણે કહ્યું હતું કે, સરકાર લોકો પર દબાણ કરવાને બદલે તેમને વસ્તી નિયંત્રણ અંગે સફળતાપૂર્વક જાગૃત કરી રહી છે. આ સાથે જ આ માટે આરોગ્ય અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે.




સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કુટુંબ નિયોજન કાર્યક્રમોના પરિણામોની જાણકારી આપતા જણાવ્યું હતું કે, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-સી (NFHS) અને વસ્તીના આંકડા પ્રમાણે વસ્તી વૃદ્ધિ દરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ પર પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જે લોકો, કલમ 370 હટાવ્યા બાદની સ્થિતિની વાત કરે છે તો તે અગાઉનો સમય અને વર્તમાનની તુલના કરી લેવી. જ્યારે પણ કોઈ ટાર્ગેટ હત્યા થાય છે ત્યારે તેની પાછળ અનેક કારણો હોય છે. તેની પાછળ પાકિસ્તાન અને પાકિસ્તાન સમર્થિત તાકાત છે.




કેન્દ્રીય મંત્રીએ આ દરમિયાન છત્તીસગઢમાં સત્તાધારી દળ કોંગ્રેસ પર પણ હુમલો કર્યો હતો અને કહ્યું કે, અહીં કેટલીક કેન્દ્રીય યોજનાઓનું લક્ષ્ય પરુ કરવામાં નથી આવ્યું. પટેલે કહ્યું કે, છત્તીસગઢમાં જળ જીવન મિશનનું 23 ટકા કાર્ય થયું છે જ્યારે દેશમાં સરેરાશ 50 ટકા કાર્ય થઈ ચૂક્યું છે. આ જ પ્રકારે રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લક્ષ્યને પણ પૂરો કરવામાં નથી આવ્યો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application