બેંક ઓફ બરોડા (BoB)ના લાખો ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડાને તેની મોબાઇલ એપ્લિકેશન ‘BoB વર્લ્ડ’ પર નવા ગ્રાહકો ઉમેરવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુકવા આદેશ કર્યો છે. મતલબ કે BoBની આ એપમાં હવે નવા ગ્રાહકો જોડાઈ શકશે નહીં. જો કે, RBIના આ આદેશની BoB વર્લ્ડના હાલના યુઝર્સને અસર થશે નહીં. રિઝર્વ બેંકે ‘બોબ વર્લ્ડ’ના જૂના ગ્રાહકોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તેની ખાતરી કરવા બેંકને જણાવ્યું છે.
RBIના આ આદેશની અસર બેંક ઓફ બરોડાના એ ગ્રાહકોને થશે જેમનું બેંકમાં ખાતું છે પરંતુ ‘બોબ વર્લ્ડ’ એપ સાથે જોડાયેલા નથી. બેંકની આ એપ પર ઈન્ટરનેટ બેંકિંગ ઉપરાંત યુઝર્સને યુટિલિટી સંબંધિત પેમેન્ટ, ટિકિટ, આઈપીઓ સબસ્ક્રિપ્શન વગેરેની સુવિધા મળે છે.
આરબીઆઈએ જણાવ્યું હતું કે એપ્લિકેશન પર ગ્રાહકોને જે રીતે ઓનબોર્ડ કરવામાં આવ્યા હતા એ અંગે મળેલી કેટલીક ચિંતા જનક જાણકરીને પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, “ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 35A હેઠળ તેની સત્તાનો ઉપયોગ કરીને, બેંક ઓફ બરોડાને ‘BoB વર્લ્ડ’ પર વધુ ગ્રાહકો ઉમેરવાની પ્રક્રિયાને તાત્કાલિક રોકવા નિર્દેશ આપ્યો છે’નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘BoB વર્લ્ડ’ એપ પર બેંકના ગ્રાહકોને ઓનબોર્ડ કરવાની કોઈપણ પ્રક્રિયા RBIના ધ્યાનમાં આવેલી ખામીઓને દૂર કર્યા પછી શરુ થશે.
અગાઉ, જુલાઈ 2023 માં મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે BoB વર્લ્ડ ગ્રાહકોના ખાતા સાથે ચેડા કરવામાં આવ્યા હતા. રિપોર્ટમાં આરોપ કરવામાં આવ્યો હતો કે મોબાઈલ એપ્લિકેશન રજીસ્ટ્રેશનની સંખ્યામાં વધારો કરવા માટે અલગ-અલગ લોકોની કોન્ટેક્ટ ડીટેઈલ્સ લિંક કરવામાં આવી હતી. જો કે, આ અંગે બેંક ઓફ બરોડાએ કહ્યું હતું કે એપ રજીસ્ટ્રેશનને પ્રોત્સાહન આપવા માટે અનધિકૃત અથવા બિન-ગ્રાહક મોબાઇલ નંબર ઉમેરવાની વાત પાયાવિહોણી છે. બેંક ઓફ બરોડાએ એમ પણ જણાવ્યું હતું કે બેંકની મોબાઈલ એપ્લિકેશન, BoB વર્લ્ડ સાથે કોઈપણ ગ્રાહકનો એક મોબાઈલ નંબર એકથી વધુ બેંક ખાતાઓ સાથે લિંક કરી શકાતો નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500