તાજેતરમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા પહેલગામમાં હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 26 નિર્દોષ લોકોના મોત થયા હતા. તણાવભર્યા આ માહોલમાં ભારત પાકિસ્તાન પર હુમલો કરશે એવી શક્યતા પ્રબળ બની રહી છે એવામાં ભારતના નૌકાદળને લઈને એ મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે અને તે એ કે ભારત ફ્રાન્સ પાસેથી 63,887 કરોડ રૂપિયાના રાફેલ ફાઈટર જેટ વિમાન ખરીદવા જઈ રહ્યું છે. 6.6 બિલિયન યુરો એટલે કે 63,887 કરોડ રૂપિયાના આ સોદામાં ભારતને 22 નંગ સિંગલ-સીટ રાફેલ-એમ (Rafale-M) જેટ અને 4 નંગ ટ્વીન-સીટ જેટ એમ કુલ 26 નંગ પ્લેન મળશે.
એ ઉપરાંત આ રકમમાં શસ્ત્રો, સિમ્યુલેટર, ક્રૂને આપવામાં આવનારી તાલીમ, વિમાનોની જાળવણી સહાય તથા પાંચ વર્ષ માટે પ્રદર્શન-આધારિત લોજિસ્ટિક્સનો સમાવેશ થાય છે. ભારતીય વાયુસેના દ્વારા હાલમાં જે 36 નંગ રાફેલ વિમાનો ઉપયોગમાં લેવાઈ રહ્યા છે એના સ્પેરપાર્ટ્સ અને સાધનોનો પણ આ ડીલનાં સમાવેશ થાય છે. આ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો વિદેશી સંરક્ષણ સોદો છે. ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુ 27 એપ્રિલે ભારત આવવાના હતા, પણ આતંકવાદી હુમલાને લીધે સર્જાયેલી તંગદિલીને લીધે તેમણે ભારતની યાત્રા મુલતવી રાખી હતી.
તેથી હવે બંને દેશોના વરિષ્ઠ સંરક્ષણ અધિકારીઓ 28 એપ્રિલ, સોમવારના રોજ નવી દિલ્હીમાં મળશે અને સંરક્ષણ સોદા પર હસ્તાક્ષર કરશે. બંને દેશના સંરક્ષણ પ્રધાનો વિડિઓ કોન્ફરન્સિંગના માધ્યમથી આ મીટિંગમાં હાજર રહેશે. રાફેલ જેવા અત્યાધુનિક ફાઈટર જેટ પ્લેનના નિર્માણ અને પરીક્ષણમાં ખાસ્સો સમય લાગતો હોવાથી વર્તમાન સોદાની ડિલિવરી મેળવવા માટે ભારતે ઓછામાં ઓછા ચાર વર્ષ રાહ જોવી પડશે. પહેલો બેચ 2029 ના અંત સુધીમાં મળવાની અપેક્ષા છે, જ્યારે સમગ્ર ઓર્ડર 2031 સુધીમાં પૂરો પાડવામાં આવશે. આ વિમાનો INS વિક્રમાદિત્ય અને INS વિક્રાંત જેવા વિમાનવાહક જહાજો પરથી સંચાલિત થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500