સરકાર દેશભરમાં વધી રહેલા ચેક બાઉન્સના મામલામાં યોગ્ય નિરાકરણ માટે હવે કમર કસી રહી છે. આ પ્રકારના વધતા મામલાને ધ્યાનમાં રાખતા મંત્રાલયે તાજેતરમાં જ એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં અનેક પ્રકારના સૂચનો કરવામાં આવ્યા હતા. જો આ નવા નિયમો અમલી બનશે તો સંબંધિત વ્યક્તિના બીજા ખાતામાંથી પૈસા કાપવામાં આવશે. આવા ખાતાધારકોને નવા બેન્ક એકાઉન્ટ ખોલાવવા પર રોક લગાવી શકાય છે. વાસ્તવમાં, દેશભરમાં ચેક બાઉન્સના લાખો કેસ પેન્ડિંગ છે. સરકારનો હેતુ કાયદાકીય કાર્યવાહી પહેલા જ કોઇ પગલું લઇને તેના પર રોક લગાવી શકાય તેવો છે.
33 લાખથી વધુ ચેક બાઉન્સના કેસ પેન્ડિંગ
આ નાણાકીય વર્ષની શરૂઆત સુધી દેશમાં 33 લાખ 44 હજારથી વધુ ચેક બાઉન્સના કેસ કોર્ટમાં પેન્ડિંગ હતા. ડિસેમ્બર 2021 થી એપ્રિલ 2022 સુધી ચેક બાઉન્સના 7 લાખથી વધુ કેસ કોર્ટમાં પહોંચ્યા છે. સૌથી વધુ ચેક બાઉન્સના કેસ મહારાષ્ટ્ર,ગુજરાત,રાજસ્થાન,દિલ્હી અને ઉત્તરપ્રદેશના છે.
બે વર્ષ સુધીની સજા, બમણા દંડની જોગવાઇ
વર્તમાન સમયમાં ચેક બાઉન્સથી જોડાયેલા કેસની સુનાવણી નેગોશિએબલ ઇન્સ્ટ્રૂમેંટ્સ (NI) એક્ટ અંતર્ગત કરવામાં આવે છે. આ એક સજાપાત્ર ગુનો છે. આરોપ સાબિત થવા પર ચેકની રકમથી બમણો દંડ અથવા બે વર્ષ સુધીની જેલ અથવા બંને સજાની જોગવાઇ છે. કોર્ટમાં પેન્ડિંગ કુલ કેસમાં NI એક્ટ હેઠળના કેસનો હિસ્સો 9% છે. ચેક બાઉન્સના કેસમાં સખ્તાઇ માટે મળેલા સૂચનો- ચેક આપનાર ખાતાધારકના અન્ય ખાતામાં પૈસા કાપવા- ચેક બાઉન્સના આરોપીના નવા ખાતા ખોલવા પર રોક- ચેક બાઉન્સના મામલાને લોનમાં ચૂકની રીતે ગણવું- ક્રેડિટ સ્કોર કંપનીઓને ચેક બાઉન્સની જાણકારી આપવી- ચેક ઇશ્યુઅરનો ક્રેડિટ સ્કોર ઘટાડવો
નવા નિયમથી ફાયદો થશે
જો સરકાર ઉપરોક્ત સૂચનોને અમલમાં લાવશે તો દેશમાં કારોબારમાં સરળતા વધશે. ખાતામાં પર્યાપ્ત રોકડ ન હોવા છતાં ઇરાદાપૂર્વક ચેક જારી કરવાના ચલણ પર પણ રોક લાગશે. તદુપરાંત મોટી સંખ્યામાં ચેક બાઉન્સના કેસમાં કોર્ટમાં જવાની જરૂર નહીં પડે.
શું હોય છે ચેક બાઉન્સ?
જો તમને કોઇએ ચેક આપ્યો છે અને તમે રોકડ લેવા માટે બેન્કમાં તે ચેક જમા કરાવો છો તો જરૂરી છે કે ચેક આપનાર ખાતાધારકના ખાતામાં ઓછામાં ઓછા ચેકની રકમ જેટલી રોકડ હોય તે આવશ્યક છે. જો કોઇ કેસમાં તેના ખાતામાં ચેકની રકમ જેટલી પર્યાપ્ત રોકડ નથી તો બેન્ક એ ચેકને Dishonour કરે છે. જેને ચેક બાઉન્સ કહેવામાં આવે છે. જ્યારે ચેક બાઉન્સ થાય છે ત્યારે બેન્ક દ્વારા એક સ્લિપ પણ આપવામાં આવે છે જેમાં સ્લિપમાં ચેક બાઉન્સ થવાનું કારણ દર્શાવ્યું હોય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500