દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતે જામનગરની કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ કોરોનાને હરાવ્યો ૦૦૦ ‘પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર જિલ્લાના દર્દીઓ માટે જામનગરની કોવિડ હોસ્પિટલ આશિર્વાદ સમાન’ જામનગર તા.૨૧ ડિસેમ્બર- દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના નવાગામના ખેડૂત ધીરજલાલ સીતાપરા જામનગરની જી.જી.કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ કોરોનાને હરાવીને ઘરે જઇ રહયા હતા ત્યારે તેમણે કહયુ હતું કે, ‘કોરોનાને મટાડવા મારે હોસ્પિટલમાં એક પણ રૂપિયાનો ખર્ચ થયો નથી. 5 દિવસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મને દવા, ઇંજેકશન, રહેવા, જમવાનું વગેરે વિનામૂલ્યે પ્રાપ્ત થયું હતું. આમ પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના દર્દીઓ માટે જામનગરની કોવિડ હોસ્પિટલ આશિર્વાદ સમાન છે.
ધીરજલાલ સીતાપરાને તાવ-શરદી-શ્વાસની તકલીફ થતાં પોતાના ગામ નવાગામથી ચાર કિલોમીટર દૂર આવેલા ભાણવડના ડોકટરની સારવાર કરાવી હતી. આ સારવારથી સારૂ ન થતાં તેઓ જામનગરના ખાનગી તબીબની સારવાર લીધી હતી. જયાં તેઓ કોરોના પોઝીટીવ જણાતાં જી.જી.કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે પાંચ દિવસ દાખલ થયા હતા. આ વિશે ધીરજલાલ કહે છે કે, કોઇને પણ કોરોનાના લક્ષણો દેખાઇ આવે તો ગભરાયા વિના તેની તાત્કાલિક સારવાર સરકારી કોવિડ હોસ્પિટલમાં કરાવવી જોઇએ. મેં પણ એમ જ કર્યું હતું. મારી સારવારના દરમિયાન દરરોજ ડોકટરો મને બેથી ત્રણ વાર તપાસવા આવતા હતા.
નર્સ દ્વારા દવાઓ, ઇંજેકશન અપાતા હતા. પરિવારના સભ્યની જેમ જ ખાવાપીવાનું ત્રણ સમય પ્રેમપૂર્વક જમાડવામાં આવતુ હતું. હોસ્પિટલ બહુ મોટી અને સરસ હતી. નત-નવા આધુનિક સાધનો હતા. મારા જેવા શ્વાસના દર્દીઓને કૃત્રિમ શ્વાસ આપવાની પણ સુવિધા હતી. આમ દર્દીઓ માટે હોસ્પિટલમાં આવી સુંદર વ્યવસ્થાઓ ગોઠવવા માટે હું મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો, હોસ્પિટલના સ્ટાફનો આભારી છું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500