ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડા બાદ કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો ખાસ કરીને દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જોકે છેલ્લા કેટલાક દિવસથી રાજ્યનાં અનેક વિસ્તારોમાં પારો ઉંચો જતા ગરમી વધી હતી. રાજ્યમાં સતત પડી રહેલી ગરમી વચ્ચે હવે ફરીથી વરસાદનાં આગમનની રાહ જોવાઈ રહી છે ત્યારે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. બિપોરજોય વાવાઝોડની અસર બાદ રાજ્યનાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પારો ઉંચો જતા ગરમીનું જોર વધ્યુ હતું.
રાજ્યમાં સતત ગરમીને વચ્ચે કેટલાક ભાગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે બિપોરજોય વાવાઝોડાને પગલે ચોમાસું મોડુ આવશે. હાલ ચોમાસું મહારાષ્ટ્રનાં છેડે છે અને તે ગુજરાત તરફ આગળ વધે તેની રાહ જોવાઈ રહી છે. આ વચ્ચે રાજ્યમાં આગામી તારીખ 25 અને 26મી જૂને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતનાં કેટલાક જિલ્લાઓમાં પાંચ દિવસ વરસાદ પડી શકે છે. આ દરમિયાન વરસાદનું જોર વધશે.
જયારે રાજ્યમાં ગરમીનો અને બફારાનો સામનો કરી રહેલા લોકો માટે વરસાદને લઈને હવામાન નિષ્ણાંતે કહ્યું કે, આ વર્ષે રાજ્યમાં ચોમાસું મોડું આવશે પરંતુ વરસાદ અતિભારે પડશે અને મોટા ભાગોના જળાશયો ભરાઈ જશે તેમજ નદીઓ બે કાંઠે વહેતી થશે. રાજ્યમાં તારીખ 25મી જૂન બાદ કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે તેમજ મધ્ય ગુજરાત, અમદાવાદ, વડોદરા સહિત કેટલાક ભાગોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત આગામી તારીખ 5 જૂલાઈ સુધીમાં સૌરાષ્ટ્ર તેમજ કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે અને ત્યારે જ ચોમાસું વિધિવત શરૂ થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500