દેશમાં હાલ કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. આગામી ગુરૂવારથી દેશમાં હીટવેવની શક્યતા છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, તા.19 મેથી ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં હીટ વેવની સ્થિતિની સંભાવના છે. IMDએ તેના બુલેટિનમાં કહ્યું છે કે, આગામી 24 કલાક દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતના અનેક ભાગોમાં મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નથી. જોકે આજથી 2 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાનો છે. જોકે, આગળ જતાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો પણ નોંધાશે.
IMD અનુસાર, તા.19 મેથી મહત્તમ તાપમાનમાં લગભગ 2 ડિગ્રીનો વધારો થવા જઈ રહ્યો છે. તે જ સમયે, દેશના બાકીના ભાગોમાં મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને મધ્ય પ્રદેશમાં હીટ વેવની ચેતવણી જારી કરી છે. IMDએ 20 અને 21 મેના રોજ મધ્ય પ્રદેશ અને વિદર્ભના ઉત્તરીય ભાગોમાં હીટવેવની આગાહી કરી છે. તે જ સમયે, 19 અને 20 મેના રોજ દક્ષિણ પંજાબ અને દક્ષિણ હરિયાણાના વિવિધ વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ સિવાય રાજસ્થાનના અનેક ભાગોમાં 20 અને 21 મેના રોજ પણ હીટવેવની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
IMD અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જમ્મુ અને કાશ્મીરમાં તા. 19 થી 21 મે વચ્ચે વરસાદની સંભાવના છે. જ્યારે 20 અને 21 મેના રોજ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના અલગ-અલગ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ અથવા વીજળી અને કરા પડવાની આગાહી કરવામાં આવી છે. શુક્રવાર અને શનિવારે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં છૂટોછવાયો વરસાદ અથવા વીજળી પડવાની સંભાવના છે. તા.20 અને 21 મેના રોજ પંજાબ, હરિયાણા અને પશ્ચિમ રાજસ્થાનમાં અલગ-અલગ સ્થળોએ વંટોળ ફુંકાવાની પણ અપેક્ષા છે.
IMDએ આગામી 5 દિવસ દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ-મેઘાલય અને ઉપ-હિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય કેરળ-માહે, તમિલનાડુ, કર્ણાટક, લક્ષદ્વીપ અને રાયલસીમામાં પણ આગામી થોડા દિવસો દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500