Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સાબરકાંઠામાં ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે વાર્તાલાપ કર્યો

  • April 08, 2023 

પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં રોલ મોડલ બનશે સાબરકાંઠા જિલ્લામાં આવેલી સાબર ડેરી ખાતે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ યોજાયો હતો, જેમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કૃષિકારો સાથે વાર્તાલાપ કર્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જિલ્લાના ખેડૂતો સાથે વાર્તાલાપ કરી ખેડૂતોના અનુભવોની વિગતો મેળવી હતી અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડુતોના મંતવ્યો સાંભળ્યા હતા. ખેડૂતોને માર્ગદર્શન આપતાં તેમણે જણાવ્યું કે પશુધન અને ખેતી એકબીજાના પૂરક છે. બંને સંકલિત હશે તો જ ખેડૂતોને યોગ્ય વળતર મળશે. અરવલ્લી અને સાબરકાંઠાના ખેડૂતો પશુપાલન ક્ષેત્રે માહિર છે. ગુજરાત સરકાર પશુ ધનને બચાવવા કાર્યરત છે. પશુને લાભકારી બનાવી ખેડૂતો લાભ મેળવી શકે છે. પશુઓની નશલ સુધારી તેને વધુમાં વધુ લાભકારી બનાવી શકાય છે.






રાજ્યપાલએ પશુપાલન અંગે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું. રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટી છે, એટલું જ નહીં તેમાંથી ઉત્પન્ન થતા ધાન્યો પણ ઝેરયુક્ત બન્યા છે, જેની નાગરિકોના સ્વાસ્થ્ય ઉપર વ્યાપક અસરો થતાં કેન્સર, હ્રદયરોગ જેવી અસાધ્ય બિમારીઓનું પ્રમાણ સમાજમાં વધ્યું છે. મનુષ્યની સાથે પશુઓમાં પણ કેન્સર જેવા રોગ જોવા મળે છે. કમોસમી વરસાદ, ગ્લોબલ વોર્મિંગનું કારણ પણ રાસાયણિક ખાતર છે. જળવાયુ પરિવર્તનના પડકારો સામે ભારત વર્ષની જમીન, નાગરિકોનું આરોગ્ય, પાણી, પર્યાવરણ અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ જ બચાવી શકશે. પ્રાકૃતિક કૃષિએ ધાર્મિક ભાવ નહી, પરંતુ શુદ્ધ વિજ્ઞાન છે તેમ તેમણે ઉમેર્યું હતું. રાજ્યપાલએ જણાવ્યું કે, રાસાયણિક ખેત પદ્ધતિથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનમાં ઘટાડો થાય છે.






રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા વપરાશને પરીણામે જમીન બિનઉપજાઊ બની રહી છે. રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટી છે, એટલું જ નહીં તેમાંથી ઉત્પન્ન થતા ધાન્યો પણ ઝેરયુક્ત બન્યા છે. રાજ્યપાલએ ખેડૂતોને ઓર્ગેનિક (જૈવિક) ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો ભેદ સમજાવ્યો. પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં જીવામૃત અને ઘનજીવામૃત દ્વારા જમીનમાં જીવાણું, અળસિયા અને મિત્ર જીવ અસંખ્ય સંખ્યામાં જોવા મળે છે. જેને કારણે જમીનના ઓર્ગેનિક કાર્બનમાં વધારો થાય છે અને જમીન ઉપજાઊ અને ફળદ્રુપ બને છે, એવું દ્રષ્ટાંતો સહિત રાજ્યપાલશ્રીએ સમજાવ્યું હતું.






રાજ્યપાલએ ઉમેર્યું કે, ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા આગામી એક વર્ષમાં રાજ્યના તમામ તાલુકાઓમાં દસ ગામ દીઠ એક ક્લસ્ટર બનાવવામાં આવશે. જેમાં આત્માના અધિકારીઓને પણ જોડવામાં આવશે. રાજ્યમાં મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્યભરમાં ૧,૫૦૦ જેટલા માસ્ટર ટ્રેઇનર તૈયાર કરવામાં આવશે. જેઓ ગામડાઓમાં જઈને દેશી નસલની ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, જીવામૃત, ઘનજીવામૃત બનાવવા અંગે ખેડૂતોને તાલીમબદ્ધ કરશે. રાજ્યપાલશ્રીએ માનવતા અને જીવ કલ્યાણ માટે આરંભાયેલા પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં સૌ ખેડૂતોને આધુનિક ટેકનોલોજીના વિનિયોગ સાથે જોડાઇ ધરતી માતા અને કૃષિપેદાશોને ઝેરમુક્ત બનાવવા હાકલ કરી હતી.






ગુજરાત આજે તમામ ક્ષેત્રે આગળ વધી દેશને દિશા દર્શન કરી રહ્યું છે, તેમ જણાવતાં રાજ્યપાલએ કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતને સમગ્ર દેશમાં રોલ મોડલ બનાવવામાં આવશે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે શિરમોર બની દેશના ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટેનું પ્રેરક બનશે એવો વિશ્વાસ રાજ્યપાલશ્રીએ વ્યક્ત કર્યો હતો. પ્રાકૃતિક ખેતી પરિસંવાદ કાર્યક્રમમાં મંત્રી ઉદ્યોગ અને જિલ્લા પ્રભારીમંત્રી બળવંતસિંહ રાજપૂતે ખેડૂતોને સંબોધન કરતાં જણાવ્યું કે, રાજ્યપાલ પ્રાકૃતિક ખેતી અને ગૌપાલન અંગે લોકોને પ્રેરણા આપે છે. રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટી છે ધરતી માતાને અને આપણી જાતને બચાવવા માટે રાસાયણિક પદ્ધતિથી થતી ખેતી છોડવી પડશે.






આ કાર્યક્રમ પૂર્વે માનનીય રાજયપાલએ સાબર ડેરી સ્થિત ગુજરાતનું ઇથનોવેટ યુનિટ પ્લાન્ટનું નિરીક્ષણ કરી ત્યાં ચાલતી પ્રક્રિયાની માહિતી મેળવી હતી. આ કાર્યક્રમમાં સાબર ડેરી ઉત્પાદિત "સાબર મધ"નું લોકાર્પણ કર્યુ હતું. સાથે જ આ કાર્યક્રમમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતોના ઉત્કર્ષ અને હિતાર્થ પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં સહભાગીદારી કરવા પ્રયત્નશીલ છે તેવાં પ્રગતિશીલ ત્રણ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application