મધ્યપ્રદેશમાં ભોપાલની નજીકના મેંડોરીના જંગલમાંથી બિનવારસી કારમાંથી આવકવેરા અધિકારીઓને ૪૦ કરોડ રૂપિયાનું સોનું ૫૫ કિ.ગ્રા. સોનાના બિસ્કિટ અને ૧૫ કરોડ રૂપિયા રોકડા મળી આવતા તે ચોંકી ઉઠયા છે. પરિવહન વિભાગના ભૂતપૂર્વ અધિકારી સૌરભ શર્માના ભાગીદાર ચેતન ગૌરની આ કાર હોવાનું જાણવા મળ્યું છે. આઇટી વિભાગ સૌરભ શર્માને ત્યાંથી ચાર કરોડ રોકડા પકડી ચૂક્યું છે. રાજ્યમાં હાલમાં આવકવેરા વિભાગની કાર્યવાહી જારી છે. આ ક્રમમાં આવકવેરા વિભાગે બિલ્ડરના ભોપાલ, ગ્વાલિયર અને ઇન્દોરમાં કેટલાય સ્થળો પર દરોડા પાડયા છે. તેની સાથે પરિવહન વિભાગના ભૂતપૂર્વ અધિકારી સૌરભ શર્માને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. આ પહેલા ગુરુવારે પરિવહન વિભાગના ભૂતપૂર્વ અધિકારી સૌરભ શર્માના બે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા. તેમા ચાર કરોડ રુપિયા રોકડા અને ૫૦ લાખના હીરા અને સોનું તથા ૬૦ કિલો ચાંદી મળી છે.
આ ઉપરાંત ચાર એસયુવી, ૨૨ પ્રોપર્ટી દસ્તાવેજ તથા નોટ ગણવાના સાત મશીનો મળ્યા છે. ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ (ડીસીપી) પ્રિયંકા શુક્લાએ જણાવ્યું હતું કે રતિબાદ પોલીસ સ્ટેશનમાં બાતમીદારે જણાવ્યું હતું કે કુશલપુરા રસ્તા પર લાંબા સમયથી ઇનોવા ક્રિસ્ટા બિનવારસી હાલતમાં ઊભી છે. તેમા સાતથી આઠ બેગ છે. તેને પગલે અમારી ટીમ ત્યાં પહોંચી. આ બેગમાંથી સોનું અને રોકડા મળતા અમને લાગ્યું કે હાલમાં આવકવેરા વિભાગ દ્વારા ચાલતી કાર્યવાહીના સદર્ભમાં જ આ કાર આ રીતે છોડાઈ છે, તેથી અમે તેમને જણાવ્યું. આવકવેરા અધિકારીઓએ પોલીસની ટુકડીની સાથે જંગલમાંથી ગાડી જપ્ત કરી હતી. તેમાથી ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીની કેપ પણ મળી છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ આ ગોડીને છોડવામાં આવી ત્યારે પરિવહન વિભાગના અધિકારી તેમા હાજર હતા. આ ઉપરાંત આ જ ગાડી સામે તેમના ભાગીદારી ચેતન ગૌરની તસ્વીર સામે આવી છે, જેમા તે ગાડી સામે પોઝ આપતો નજરે દેખાય છે. આ કાર ગ્વાલિયર નંબરની છે, તેના પર સાઇરન લાગેલી છે અને પોલીસનું નિશાન પણ અંકિત છે. આ કાર કોઈ મહિલાના નામે નોંધાયેલી છે. કારમાં મેક અપનો સામાન જોતાં તેને છોડવામાં આવી ત્યારે મહિલા પણ હોવાનું મનાય છે. આ ઉપરાંત આ કાર મળી આવી તે વિસ્તારમાં કેટલાય વરિષ્ઠ અધિકારીઓના ફાર્મહાઉસ છે. હાલમાં કેન્દ્રીય તપાસ સંસ્થાઓ દ્વારા મધ્યપ્રદેશના જુદા-જુદા હિસ્સામાં કાર્યવાહી ચાલી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500