અમદાવાદનાં શેલા વિસ્તારમાં રહેતા એક બિલ્ડરે ધંધા માટે સાણંદમાં રહેતા એક વ્યાજખોર પાસેથી ૫૪ લાખની રકમ વ્યાજે લઇને તેની સામે ૧.૦૪ કરોડની ચુકવણી કરી હતી. તેમ છતાંય, ૨.૧૯ કરોડની રકમ બાકી હોવાનું કહીને ઉઘરાણી ચાલુ રાખી હતી. એટલુ જ વ્યાજખોરે ૧.૯૧ કરોડની મિલકતોના પાકા દસ્તાવેજ કરાવીને મિલકતો પરત કરવાની ના કહીને ધમકી આપી હતી. આ અંગે ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. શહેરના શેલામાં આવેલી સુરભીત વાટિકામાં રહેતા મયુરસિંહ વાઘેલા કન્ટ્રક્શનનો વ્યવસાય કરે છે.
વર્ષ ૨૦૧૩માં તેમણે સાણંદમાં નિર્મિત ફ્લોરા નામની સ્કીમ શરૂ કરી હતી. તેમને ધંધા માટે નાણાંની જરૂર હોવાથી સાણંદની બેંક ઓફ ઇન્ડિયામાંથી ૧૨ કરોડની લોન લીધી હતી. બીજી તરફ કોરોના કાળ દરમિયાન બાંધકામ માટે વધારાના નાણાંની જરૂર પડતા તેમણે સાણંદમાં રહેતા ઘનશ્યામસિંહ વાઘેલા પાસેથી નાણાંની માંગણી કરી હતી. જો કે ઘનશ્યામસિંહે ઉછીના નાણાં સામે મિલકતનો રજીસ્ટ્રર બાનાખત અને દસ્તાવેજ કરી આપવાની તેમજ ચેકની માંગણી કરી હતી.મયુરસિંહે ઘનશ્યામસિંહ પાસેથી ૩ ટકા વ્યાજે ૨૦ લાખ રૂપિયા લીધા હતા.
જેની સામે ત્રણ ફ્લેટના દસ્તાવેજ તેમના નામે કરાવી લીધા હતા. ત્યારબાદ ૩૪ લાખની માંગણી કરતા વધતા વધુ બે ફ્લેટના દસ્તાવેજ પોતાના નામે કરાવી દીધા હતા. આમ ૫૪ લાખની સામે ૧.૦૪ કરોડ રૂપિયા ચુકવીને તેમની મિલકતોના દસ્તાવેજ પરત માંગ્યા હતા. તેમ છતાંય, ઘનશ્યામસિંહે દસ્તાવેજ પરત આપવાની ના કહીને ધમકી આપી હતી. એટલું જ નહી તેણે બે મકાનના તાળા તોડીને ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ મયુરસિંહને ધમકી આપીને નાણાંની માંગણી કરવામાં આવતા છેવટે આ અંગે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધવાાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500