અમદાવાદનાં આનંદનગર વિસ્તારમાં રહેતી મહિલા સાથે પ્રેમનું નાટક રચીને એક ઈસમે પોતાનુ સિલેક્શન લક્ષદીપમાં આઇપીએસ તરીકે પોસ્ટીંગ મળ્યાનું કહીને વિશ્વાસમાં લીધા બાદ મહિલાના મોબાઇલથી બેંકની એપ્લીકેશનનો ઉપયોગ કરીને તેની ફીક્સ ડીપોઝીટ બ્રેક કરવાની સાથે પર્સનલ લોન લઇને રૂપિયા ૨૪.૮૨ લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ આનંદનગર પોલીસ મથકે નોંધવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, આનંદનગરમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા ૩૮ વર્ષીય મહિલાએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે , વર્ષ ૨૦૦૨માં તેમના લગ્ન થયા હતા. જોકે પતિ સાથે અણબનાવ થતા તે છુટાછેડા લઇને તેમની ૨૦ વર્ષની પુત્રી સાથે રહેતા હતા. સાત વર્ષ પહેલા તેમનો પરિચય પાટણના ચાણ્સમા રોડ પર આવેલા પાર્થ બંગ્લોઝમાં રહેતા બિરેન આચાર્ય સાથે પરિચય થયો હતો. બાદમાં અવારનવારના સપંર્કમા રહેતા મિત્રતા બાદ પ્રેમસંબધ બંધાયો હતો.
પરંતુ, તે કાળજી રાખતો ન હોવાથી ભાવનાએ બિરેન સાથે સંબધ તોડી નાંખ્યો હતો. પરંતુ, બિરેને ૨૦૨૪ના સપ્ટેમ્બરમાં ફરીથી ભાવનાનો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે, આઇપીએસ તરીકે લક્ષદીપમાં તેની જોબ ફીક્સ થઇ છે અને જાન્યુઆરી ૨૦૨૫માં તેને હાજર થવાનું છે. જેથી ભાવનાને વિશ્વાસ આવતા તેણે ફરીથી સંબધ બાંધ્યો હતો અને બિરેન ભાવના સાથે રહેવા માટે આવી ગયો હતો. પરંતુ તે મહિલા પર શંકા રાખીને અવારનવાર ઝઘડા કરતો હતો. એક મહિના પહેલા મહિલાને જાણવા મળ્યું હતું કે, બિરેને મહિલાના મોબાઇલ ફોનથી આઇસીઆઇસીઆઇ બેંકની મોબાઇલ એપ્લીકેશનથી અલગ અલગ ૧૦ લાખની ફીક્સ ડીપોઝીટ તોડી હતી. તેમજ ૧૩ લાખની પર્સનલ લોન લીધી હતી. આમ, બિરેને કુલ ૨૪.૮૨ લાખની છેતરપિંડી આચરી હતી. આ બાબતે મહિલાએ બિરેને ઠપકો આપતા તેણે ભાવનાનો મોબાઇલ ફોન તોડીને માર માર્યો હતો. ઘટના અંગે આનંદનગર પોલીસ મથકે તેણે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500