ગાંધીનગરમાંથી પસાર થતી સાબરમતી નદી અમદાવાદ સુધી જાય છે અમદાવાદની નદીમાં પાણી ભરીને ત્યાં બંને બાજુ રીવરફ્રન્ટ તૈયાર કરવામાં આવ્યો છે જે આજે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે ત્યારે આવી જ રીતે ગિફ્ટસિટીથી પીડીપીયુ વચ્ચે નદીની બંને બાજુ પ્રોટેક્ટેડ વોલ ઉભી કરીને અહીં વોક વે, રેસ્ટોરન્ટ સહિત અન્ય સુવિધા ઉભી કરવામાં આવશે. જોકે આ અંગે હાલની સ્થિતિએ 650 કરોડ જેટલો ખર્ચ અંદાજવામાં આવ્યો છે અને દરખાસ્ત સરકારકક્ષાએ મોકલી આપવામાં આવી છે. સાબરમતી નદી ઉપર સંત સરોવર બનાવીને પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે અને આસપાસના વિસ્તારમાં ભુગર્ભજળ ઉંચા લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આવી સ્થિતિમાં અમાદાવાદના રીવરફ્રન્ટને ગાંધીનગર સુધી લંબાવવાનો પણ એક પ્રોજેક્ટ સરકાર વિચારી રહી છે તે વચ્ચે ગિફ્ટસિટીને ડેવલોપ કરવાની સાથે તેની પાછળના ભાગમાંથી પસાર થતી સાબરમતી નદીની બન્ને બાજુ પણ રીવરફ્રન્ટ બનાવવાની યોજના સિંચાઇ વિભાગે બનાવી છે. ગિફ્ટસિટીથી પીડીપીયુ સુધી નદીની બંને બાજુ પ્રોટેક્ટેડ વોલ બનાવીને ત્યાં વોક વે સહિતની અન્ય સુવિધા ઉભી કરવામાં આવશે. આ માટેના પ્લાન-નકશા તૈયાર કરીને વિભાગમાં અને સરકારમાં મોકલાવી દિધા છે. એટલુ જ નહીં, 650 કરોડ રૂપિયાના ખર્ચનો પણ અંદાજ લગાવવામાં આવ્યો છે. પ્લાન પ્રમાણે અહીં બન્ને બાજુ વોલ બનાવીને અંદર તથા બાહરની બાજુ રોડ બનાવવામાં આવશે તથા વિવિધ એડવેન્ચર્સ રાઇડ્સ પણ અહીં ઉભી કરાશે.
સાથે અન્ય સુવિધા પણ રાખવામાં આવી છે. અમદાવાદમાં રીવરફ્રન્ટ તૈયાર કર્યા બાદ તે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે એટલુ જ નહીં, ગાંધીનગર સુધી આ રીવરફ્રન્ટને લંબાવવા માટેની પણ એક યોજના હતી જે માટે પણ સરકાર દ્વારા વારંવાર નકશા તૈયાર કરાવ્યા હતા પરંતુ આ અંગે આગળ ઠોશ કામગીરી થઇ શકી જ નથી. સંત સરોવર પાસે પણ ડેવલોપમેન્ટ માટે પ્રોજેક્ટ તૈયાર કરાયો હતો અને અહીં રેસ્ટોરન્ટ અને જળક્રિડાને લગતી વિવિધ રાઇડ્સ બનાવવાની વાત હતી તે પણ આગળ વધ્યો નથી. આવી સ્થિતિમાં ગિફ્ટસિટી-પીડીપીયુ સુધી રીવરફ્રન્ટ બનાવવાનો પ્રોજેક્ટ ખરા અર્થમાં કેટલો આકાર પામે છે તે તો આવનારા દિવસોમાં જ ખ્યાલ આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500