ભારતને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાના સરકારના સપનાને મોટો ફટકો પડ્યો છે. ગયા વર્ષે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગની ગ્લોબલ જાયન્ટ કંપની ફોક્સકોને ગુજરાતમાં ઉત્પાદન એકમ સ્થાપવા માટે વેદાંતા સાથે જોડાણ કર્યું હતું પરંતુ હવે ફોક્સકોને આ ડીલ રદ કરવાની જાહેરાત કરી છે. વેદાંતા અને ફોક્સકોને ગુજરાતમાં આશરે 1.5 લાખ કરોડના રોકાણ સાથે સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી. હવે આ ડીલ રદ થતા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને પણ ફટકો પડ્યો છે.
થોડા દિવસો પહેલા એવા અહેવાલો મળ્યા હતા કે વેદાંતાની આર્થીક સ્થિતિ સારી ન હોવાથી ફોક્સકોન ભારતમાં જોઈન્ટ વેંચર અંતે અન્ય કંપનીઓ સાથે વાત કરી રહી છે. આ મુજબ વેદાંતના ચીફ અનિલ અગ્રવાલ અને તાઈવાનની કંપની વચ્ચે મતભેદો પણ શરૂ થઈ ગયા હતા. જોકે એ સમયે વેદાંતાએ આ વાત નકારી કાઢી હતી અને બધું બરાબર હોવાનું જણાવ્યું હતું.
હવે ફોક્સકોને જાણકારી આપી હતી કે કંપની વેદાંતાની સંપૂર્ણ માલિકીની કંપનીમાંથી તેનું નામ હટાવવા માટે કામ કરી રહી છે. કંપનીએ વેદાંતા સાથે જોઈન્ટ વેન્ચર ન કરવાનો નિર્ણય લીધો છે. આ સિવાય ફોક્સકોને કહ્યું કે અમને ભારતના સેમિકન્ડક્ટર ડેવલપમેન્ટમાં પૂરો વિશ્વાસ છે. અમે ભારત સરકારની મેક ઇન ઇન્ડિયા પહેલને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ અને શેરધારકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભાગીદારી કરવાનું ચાલુ રાખીશું.ગયા જૂનમાં એક અખબારી અહેવાલમાં એક સરકારી અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે વેદાંતા અને ફોક્સકોન વચ્ચે મતભેદ છે. પરંતુ અમે બંને વચ્ચેના મતભેદોને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ છતાં, અમે ફોક્સકોનને અલગ ભાગીદાર શોધવાની સલાહ આપી છે. ત્યારે અધિકારીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર વેદાંત ગ્રુપની નાણાકીય સ્થિરતા અંગે ચિંતિત છે.
નોંધનીય છે કે 13 સપ્ટેમ્બરે ગુજરાતના ગાંધીનગરમાં ભારત સરકાર, વેદાંત અને ફોક્સકોન વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ‘બંને કંપનીઓએ ગુજરાતમાં એકમો સ્થાપવા માટે રૂ. 1 લાખ 54 હજાર કરોડનું રોકાણ કરવાનું નક્કી કર્યું છે. તેનાથી રાજ્યમાં એક લાખ નોકરીઓનું સર્જન થશે.’
આ પ્લાન્ટ માટે ધોલેરા એસઆઈઆર ખાતે જમીન પણ ફાળવવામાં આવી હોવાના અહેવાલો હતા. સેમીકંડકટર ચીપ પ્લાન્ટથી ગુજરાતમાં ટેકનોલોજી પ્રોડક્ટ ઉત્પાદન માટે નવા યુગની શરૂઆત થશે એવી આશા સેવવામાં આવી રહી હતી.ફોક્સકોન અને વેદાંતા વચ્ચેની ડીલના ભંગાણ પર, કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ટેક્નોલોજી પ્રધાન રાજીવ ચંદ્રશેખરે ટ્વિટ કર્યું કે વેદાંતા સાથેના સંયુક્ત સાહસમાંથી ફોક્સકોનની પીછેહઠના નિર્ણયથી સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ભારતના લક્ષ્યો પર કોઈ અસર થશે નહીં. ભારત અને પીએમ મોદીના કાર્યો પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500