દેશમાં કોરોનાના વધતા કેસની વચ્ચે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. તો બીજી તરફ ચોથી લહેર અંગે સ્પષ્ટપણે કંઈ કહેવાઈ રહ્યું નથી. આ દરમિયાન આંકડા એ પણ દર્શાવે છે કે, દિલ્હી-NCR અને હરિયાણામાં હવે નવા કેસ ઓછા થવા લાગ્યા છે. જોકે, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને રાજસ્થાનમાં કોરોના સંક્રમિતની સંખ્યા વધી રહી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં 24 કલાકમાં કોરોનાના 3,207 નવા કેસ નોંધાયા છે અને 29 દર્દીઓના મોત થયા છે. આ દરમિયાન 3,410 દર્દીઓએ કોરોનાને માત આપી છે. સક્રિય કેસની સંખ્યા 20,400ને પાર થઈ ગઈ છે. જોકે, રાહતની વાત એ છે કે, કોરોનાના વધતા જતા કેસો છતાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા અને મૃત્યુની સંખ્યા ઓછી છે.
દિલ્હી-NCR અને હરિયાણામાં કોરોનાની નવી લહેર શરૂઆત થઈ છે. અત્યારે પણ અહીં કોરોના સંક્રમિત વધુ દર્દીઓના કેસ સામે આવી રહ્યા છે. દિલ્હીમાં રવિવારે 1,422 દર્દીઓ સામે આવ્યા છે. હરિયાણામાં કોરોના સંક્રમિત 513 દર્દીઓ જોવા મળ્યા છે. જોકે આ બંને રાજ્યોમાં હવે કોરોનાની ગતિ થોડી ધીમી થતી જોવા મળી રહી છે.
દિલ્હીમાં આ અઠવાડિયે કોરોનાના 9,694 કેસ નોંધાયા છે જ્યારે ગત સપ્તાહમાં 9,684 કેસ સામે આવ્યા હતા. એ જ રીતે હરિયાણામાં આ અઠવાડિયે 3,616 કેસ સામે આવ્યા છે અને તેના પહેલા અઠવાડિયામાં અહીં 3,695 સંક્રમિત જોવા મળ્યા હતા. એટલે કે જે ઝડપે કોરોના વધી રહ્યો હતો તે હવે થોડો ધીમો પડી રહ્યો છે.
મહારાષ્ટ્ર : અહીં એક સપ્તાહમાં કોરોનાના 1,377 નવા કેસ નોંધાયા છે. આ આંકડો ગત સપ્તાહ કરતાં 30 ટકા વધુ છે.
કર્ણાટક : અહીં પણ એક સપ્તાહમાં કોરોનાના નવા કેસોમાં 34 ટકાનો ઉછાળો આવ્યો છે. સાથે જ એક સપ્તાહમાં 1,021 કેસ નોંધાયા છે.
રાજસ્થાન : અહીં પણ સાપ્તાહિક કેસોમાં 47 ટકાનો વધારો થયો છે. આ અઠવાડિયે અહીં 529 કેસ નોંધાયા છે. એક સપ્તાહ પહેલા 360 કેસ આવ્યા હતા.
ઉત્તરપ્રદેશ : અહીં પણ કોરોનાના કેસ વધવા લાગ્યા છે. આ અઠવાડિયે ઉત્તર પ્રદેશમાં કોરોનાના 1,747 કેસ નોંધાયા છે.
કેરળ : દક્ષિણના રાજ્ય કેરળમાં પણ કોરોનાના કેસમાં રેકોર્ડ વધારો થયો છે. એક સપ્તાહમાં અહીં 2,516 કેસ નોંધાયા છે.
પંજાબ, ઝારખંડ, ઓડિશા, ગોવા અને ગુજરાતમાં પણ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. જોકે રાહતની વાત એ છે કે, હાલમાં પણ મૃત્યુઆંક બહુ ઝડપથી વધી રહ્યો નથી. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં સૌથી વધુ સક્રિય કેસ દિલ્હીમાં છે. અહીં લગભગ 6 હજાર એક્ટિવ કેસ છે. ત્યારબાદ કેરળમાં 3 હજારથી વધુ સક્રિય કેસ છે. હરિયાણામાં 2700, કર્ણાટકમાં 1,964 અને ઉત્તર પ્રદેશમાં 1,607 સક્રિય કેસ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500