ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જે અંતર્ગત રાજ્યના વિવિધ વિસ્તારોમાં તબક્કાવાર વરસાદ પડી રહ્યો હતો ત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લા ઉપર મેઘરાજા આ વર્ષે મોડા મહેરબાન થયા હોય તે પ્રકારે વાતાવરણમાં પલટો આવતો હતો અને વરસાદ વરસ્યા વગર વાદળો પસાર થઈ રહ્યા હતા. તો બીજી તરફ છેલ્લા ઘણા દિવસથી ચોમાસાની મોસમ જામી હોય તે પ્રકારે વાદળો છવાઈ જતા હતા. ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે બે દિવસથી વરસાદની અવિરત ગતિ ચાલુ રહેવા પામી છે. ગાંધીનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશાલી વ્યાપી છે. તો બીજી તરફ શરૂ થયેલ વરસાદતો દહેગામ, માણસા અને કલોલ તાલુકામાં વાતાવરણની અસરો અનુભવવા મળી હતી. જ્યારે ગાંધીનગર તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે.
તો બીજી તરફ રાજ્યના પાટનગરમાં પણ શનિવારે સાંજના સમયે શરૂ થયેલો વરસાદ ગતરોજ પણ ચાલુ રહેતા છેલ્લા 24 કલાક દરમિયાન 4 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. તો બીજી તરફ જિલ્લાના દહેગામ તાલુકામાં પણ મેઘરાજા મહેરબાન થયા હોય તે પ્રકારે છેલ્લા 24 કલાક દરમિયાન 4 ઇંચથી વધુ વરસાદ પડયો છે. તો કલોલ તાલુકામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ગાંધીનગર તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ પડયો છે. જ્યારે માણસા તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન 4 ઇંચ વરસાદ પડયો છે. જયારે શનિવારે સાંજના સમયે શરૂ થયેલ વરસાદના પગલે રાજ્યના પાટનગરમાં છેલ્લા બે દિવસ દરમિયાન 4 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. ત્યારે સમગ્ર જિલ્લામાં સીઝનનો 63 ટકા વરસાદ અત્યાર સુધી પડી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ દહેગામ તાલુકામાં તો સૌથી ઓછો કલોલ તાલુકામાં વરસાદ નોંધાયો છે.
વાતાવરણમાં થઈ રહેલા ફેરબદલના પગલે ભેજના પ્રમાણમાં વધારો નોંધાવા પામ્યો છે. ગાંધીનગર શહેરમાં રવિવારે સમગ્ર દિવસ દરમિયાન આકાશમાં વાદળો છવાઈ ગયા હતા અને વરસાદ ચાલુ રહ્યો હતો. સતત વરસાદ ચાલુ રહેતા શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો હાલમાં ચાલી રહેલી ખોદકામની પ્રવૃત્તિના પગલે ઘણી જગ્યાએ યોગ્ય પુરાણ નહીં કરવાના કારણે વરસાદી પાણી ભરાવાથી ભુવા પડી ગયા હતા. તો અવરજવર કરતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ પણ વરસાદમાં અટવાઈ ગયા હતા. ત્યારે આ વાતાવરણની અસર જિલ્લામાં પણ અનુભવવા મળી હતી. તો ભેજના પ્રમાણમાં સતત થઈ રહેલા વધારાના પગલે ભારે વરસાદ પડવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે સતત પડી રહેલા વરસાદના કારણે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થવા પામી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500