કોલકાતા ખાતે એક કાર્યક્રમ દરમિયાન તબિયત ખરાબ થયા બાદ ગાયક કેકેનું મંગળવારના રોજ અવસાન થયું છે. ફેમસ સિંગર કેકે ઉર્ફે કૃષ્ણ કુમાર કુન્નથ માત્ર 53 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી ગયા છે. કોન્સર્ટ બાદ કેકેની તબિયત બગડી હતી અને હાર્ટ એટેકના કારણે તેમનું અવસાન થયું હોવાનું કહેવામાં આવ્યું હતું. ડોક્ટર્સના કહેવા પ્રમાણે પોસ્ટમોર્ટમ બાદ મૃત્યુનું સાચુ કારણ જાણી શકાશે પરંતુ કેકેના મોઢા અને માથાના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે.
જાણવા મળ્યા મુજબ, કોલકાતાના ન્યૂ માર્કેટ પોલીસ સ્ટેશન ખાતે કેકેના અપ્રાકૃતિક મૃત્યુનો એક કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ કેકેના પરિવારની રાહ જોઈ રહી છે. પરિવારની મંજૂરી બાદ અને બોડીની ઓળખવિધિ બાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. કેકેના પત્ની અને દીકરો કોલકાતા પહોંચી રહ્યા છે અને પોલીસ દ્વારા તેમનું નિવેદન પણ નોંધવામાં આવશે.
કેકે કોલકાતાના નજરૂલ મંચ ખાતે ગુરૂદાસ કોલેજના ફેસ્ટિવલ દરમિયાન પ્રસ્તુતિ આપી રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી. જાણવા મળ્યા મુજબ તેઓ જે હોટેલમાં રોકાયા હતા તેની સીડીઓ પરથી કથિત રીતે પડી ગયા હતા. હોસ્પિટલના પ્રવક્તાએ ગાયકને હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે તેઓ મૃત હોવાની જાણકારી આપી હતી. કેકે તેમના 'પલ' અને 'યારોં' જેવા ગીતો માટે પ્રખ્યાત છે જે 1990ના દશકાના અંતમાં યુવાવર્ગમાં ખૂબ જ હિટ રહ્યા હતા. આ ગીતો મોટા ભાગે શાળા અને કોલેજીસના વિદાય અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં લોકપ્રિય છે.
કેકેના 1999માં આવેલા પ્રથમ આલ્બમ 'પલ'ની સંગીત સમીક્ષકોએ ખૂબ જ પ્રશંસા કરી હતી. 2000ના દશકની શરૂઆતથી તેમણે પાર્શ્વ ગાયનમાં પોતાની કરિયર બનાવી અને બોલિવુડની ફિલ્મો માટે પણ લોકપ્રિય ગીતોની એક વિસ્તૃત શૃંખલા રેકોર્ડ કરી. તેમણે હિંદી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી અને બંગાળી સહિત અન્ય કેટલીય ભાષાઓમાં ગીત રેકોર્ડ કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500