Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસની જરૂરિયાત માટે રશિયા પર નિર્ભર યુરોપે રશિયન ક્રૂડની ખરીદી પર ૯૦ ટકા કાપ મૂકવાનો નિર્ણય

  • June 01, 2022 

યુક્રેન પર આક્રમણ બદલ અમેરિકા અને યુરોપે રશિયા પર આકરા પ્રતિબંધો મૂક્યા છે, પરંતુ હજુ સુધી આ પ્રતિબંધોની રશિયા પર ખાસ અસર થઈ નથી. હવે યુરોપના દેશોએ રશિયા પર વધુ આકરો પ્રતિબંધ મૂકવા તૈયારી કરી છે. તેની ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસની જરૂરિયાત માટે રશિયા પર નિર્ભર યુરોપે રશિયન ક્રૂડની ખરીદી પર ૯૦ ટકા કાપ મૂકવાનો નિર્ણય કરીને વ્લાદિમિર પુતિનને મોટો ફટકો પહોંચાડયો છે. આ પ્રતિબંધોના પગલે વૈશ્વિક સ્તરે બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ ૧૨૨ ડોલરને પાર થઈ ગયો છે.




યુરોપીયન પરિષદના અધ્યક્ષ ચાર્લ્સ મિશેલે મંગળવારે જણાવ્યું હતું કે, યુરોપીયન સંઘના નેતાઓએ બ્રશેલ્સમાં શિખર સંમેલનના પહેલા દિવસે રશિયન ક્રૂડની બે તૃતિયાંશથી વધુની આયાત પર પ્રતિબંધ મૂકવા સહમતિ વ્યક્ત કરી છે. મિશેલે ટ્વીટ કરીને કહ્યું કે, આ પ્રતિબંધ પેકેજમાં અન્ય કઠોર ઉપાયોનો સમાવેશ થાય છે. તેમાં સૌથી મોટી રશિયન બેન્ક સબેર બેન્કને ડી-સ્વિફ્ટ કરવી અને રશિયન સરકારની માલિકીવાળા પ્રસારકો પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. રશિયાએ ૨૪મી ફેબુ્રઆરીએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી યુદ્ધ બંધ કરવા માટે રશિયા પર દબાણ કરવા તેના સૌથી આકર્ષક ઊર્જા સેક્ટર પર દબાણ લાવવા પશ્ચિમી દેશો પ્રયાસ કરી રહ્યા હતા.



જોકે, યુરોપ ૨૫ ટકા ક્રૂડ અને ૪૦ ટકા કુદરતી ગેસની ખરીદી રશિયા પાસેથી કરતું હોવાથી યુરોપીયન સંઘ રશિયન ક્રૂડ પર પ્રતિબંધ મુકવા તૈયાર નહોતું. જોકે, મહિનાઓની ચર્ચાને અંતે યુરોપીયન સંઘના નેતાઓ આગામી છ મહિનામાં રશિયન ક્રૂડની આયાત પર ૯૦ ટકા કાપ મૂકવા સંમત થયા છે. અમેરિકા અને બ્રિટન પછી યુરોપીયન સંઘે પણ રશિયન ક્રૂડ ઓઈલ પર પ્રતિબંધ મૂકતા વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ ૧૨૨ ડોલરને પાર થઈ ગયો હતો.




જયારે યુરોપીયન સંઘના નિર્ણયના જવાબમાં વિયેનામાં રશિયાના કાયમી પ્રતિનિધિ મિખાઈલ યુલીયાનોવે ટ્વિટર પર જણાવ્યું હતું કે, રશિયા અન્ય આયાતકારો શોધી લેશે. આ પ્રતિબંધોથી આર્થિક ફટકો પહોંચવા છતાં રશિયા ગભરાશે નહીં. ઉલટાનું રશિયન એનર્જી કંપની ગાઝપ્રોમે મંગળવારે નેધરલેન્ડને અપાતા કુદરતી ગેસના પુરવઠા પર કાપ મૂકી દીધો હતો અને ડેન્માર્કને કુદરતી ગેસ નહીં આપવા અંગે તેણે વિચારણા શરૂ કરી છે. તેણે બલ્ગેરિયા, પોલેન્ડ અને ફિનલેન્ડને ગેસ આપવાનું બંધ કરી દીધું છે.




દરમિયાન રશિયાના એક જાસૂસી અધિકારીએ દાવો કર્યો હતો કે, રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન કેન્સરની બીમારીનો ભોગ બન્યા છે અને હવે તેઓ ત્રણ વર્ષથી વધુ જીવી શકે તેમ નથી. રશિયન ફેડરલ સિક્યોરિટી સર્વિસના એક અધિકારીએ જણાવ્યું કે, ૬૯ વર્ષીય પુતિનની આંખો પણ ખતમ થઈ રહી છે. પુતિનના અંગો અનિયંત્રિતરૂપે કાંપી રહ્યા છે. મે મહિનાના પ્રારંભમાં એક રિપોર્ટ આવ્યો હતો, જેમાં કહેવાયું હતું કે પુતિને પેટની બીમારી માટે સર્જરી કરાવી હતી. જોકે, રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે પુતિનના બીમાર હોવાની અટકળો નકારી કાઢતા કહ્યું કે, પુતિન કોઈ બીમારીનો ભોગ બન્યા નથી.




દરમિયાન ભારતના પૂર્વ વિદેશ સચિવ શ્યામ સરને કહ્યું કે, યુક્રેનનું યુદ્ધ રશિયા હારી ગયું છે, કારણ કે યુદ્ધ ખતમ થવા સુધીમાં તે કોઈપણ પ્રકારનો તર્કસંગત ઉદ્દેશ્ય હાંસલ કરી શકશે નહીં. તેમણે ઉમેર્યું કે, ચીને મોસ્કો પર ખોટો દાવ લગાવ્યો છે. હું રશિયન પરાજયની ભવિષ્યવાણી નથી કરી રહ્યો, પરંતુ આ મારું વાસ્તવિક આકલન છે કે, રશિયા આ યુદ્ધ હારી ગયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application