ડાંગ જેવા વિષમ પરિસ્થિતિ ધરાવતા જિલ્લામાં કરોડો રૂપિયાના MOU થયા છે, જે આગામી દિવસોમાં સમગ્ર રાજયની સાથે ડાંગને પણ વાયબ્રન્ટ બનાવશે, તેમ જણાવતા ડાંગના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિએ, ડાંગ જેવા પ્રદેશમાં ૧૯ કરોડ રૂપિયાના MOU થવા એ આવનારા સ્વર્ણિમ દિવસોનો સંકેત છે તેમ કહ્યું હતું. વઘઇ ખાતે આયોજિત ‘વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રીકટ’ની ભાવનાને ચરિતાર્થ કરતાં અંહી ફૂડ, અને એગ્રીકલ્ચર સહિત પ્રવાસન સેક્ટરમાં રહેલી રોકાણની સંભાવનાઓને કારણે, ડાંગના પ્રજાજનોને આગામી દિવસોમાં રોજગારી માટે બહારગામ જવું નહીં પડે તેમ જણાવતા મંત્રીશ્રીએ, પશુપાલન, ખેતી અને બાગાયત, સહિત પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રે રહેલી રોકાણની સંભાવના પણ વર્ણવી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરદર્શીતા, અને મૃદુ તથા મક્કમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ ગુજરાતનાં વિકાસની સાથે હવે ‘વાયબ્રન્ટ ડિસ્ટ્રીકટ’ નો નવો આયામ ઉમેરાતા, જિલ્લાઓમાં પણ સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ ઉધોગો સ્થપાશે તેમ કહયું હતું.
સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, તેમ જણાવતા મંત્રી કુંવરજીભાઈ હળપતિએ સ્થાનિક પ્રજાજનોને ઉપલબ્ધ તકોને ઝડપી વિકાસ સાધવાની હિમાયત કરી હતી. ડાંગ જેવા દુર્ગમ ક્ષેત્રમાં સ્થાનિક રોજગારી અર્થે અંહિની સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ ઉધોગો, ગૃહ ઉધોગો માટે આગળ આવેલી કંપની/પેઢીઓને અભિનંદન પાઠવતા, ડાંગના ધારાસભ્ય-વ-ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલે રાજ્ય અને ભારત સરકારની દૂરદર્શી નીતિને કારણે, ડાંગની મહિલાઓ પણ સશક્ત બની રહી છે તેમ જણાવ્યુ હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને આર્થિક મહાસત્તા બનાવી છે, ત્યારે ડાંગના પ્રજાજનોને તેમનામા રહેલી સુષુપ્ત શક્તિઓને પિછાણી, સખત મહેનત કરીને આગળ વધવાની હિમાયત પણ વિજયભાઈ પટેલે આ વેળા કરી હતી. ડાંગમાં ઉપલબ્ધ ધંધા, રોજગારીની તકોને ઓળખીને તેનો સાચી દિશામાં ઉપયોગ કરવાની અપીલ કરતાં, નાયબ દંડકશ્રીએ સંગઠિત ઉધોગથી આર્થિક ભારણ ધટાડવા સાથે, નફાનું માર્જિન વધારવા અંગેની પણ હિમાયત કરી હતી.
વિજયભાઈ પટેલે ડાંગના સ્થાનિક ઉત્પાદનો, બનાવટોના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ‘વાયબ્રન્ટ ડિસ્ટ્રીકટ’ કાર્યક્રમ સફળ પ્લેટફોર્મ પૂરું પાડશે તેમ તેમના પ્રાસંગિક વક્તવ્યમાં ઉમેર્યું હતું. કાર્યક્રમ દરમિયાન સાંસદશ્રી ડો.કે.સી.પટેલે ‘વાયબ્રન્ટ ડિસ્ટ્રીકટ’ના કાર્યક્રમ થકી ડાંગના લોકોને ઘરઆંગણે જ રોજગારી મળી રહેશે, તેમ જણાવ્યુ હતું. જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઈને પણ પ્રોત્સાહક વક્તવ્ય રજૂ કર્યું હતું. કાર્યક્રમના ભાગરૂપે જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓને ચેક, લોન/સહાયના મંજૂરી પત્રો, સ્વરોજગારીના સાધનો, ટૂલ કીટસનું વિતરણ કરાયું હતું. જ્યારે ‘વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રીકટ’ની વિભાવનાને ચરિતાર્થ કરતાં મંત્રીશ્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કુલ ૭ થી વધુ ઉધોગ સાહસિકો સાથે જિલ્લાના પ્રશાસનિક અધિકારીઓએ રૂ.૧૯ કરોડના સમજૂતી કરારો ઉપર હસ્તાક્ષર કર્યા હતા.
દરમિયાન કાર્યક્રમની રૂપરેખા આપતા જિલ્લા ઉધોગ કેન્દ્રના નાયબ નિયામકશ્રીએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. જિલ્લા વહિવટી તંત્ર વતી કલેક્ટરશ્રી મહેશ પટેલે પ્રભારી મંત્રીશ્રીનું અને જિલ્લા વિકાસ અધિકારી આર.એમ.ડામોરે નાયબ દંડકશ્રીનુ ‘મિલેટ્સ બાસ્કેટ’થી સ્વાગત કર્યું હતું. પ્રશાસનિક અધિકારીઓએ સાંસદશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સહિતના મહાનુભાવોનું સ્વાગત, અભિવાદન કર્યું હતું. ઉલ્લેખનિય છે કે, 'વાઈબ્રન્ટ ગુજરાત- વાઈબ્રન્ટ ડિસ્ટ્રીકટ’ કાર્યક્રમની શરૂઆત મહાનુભવોએ દીપ પ્રાગટય કરીને કરી હતી. ત્યારબાદ બે સેશનમાં યોજાએલા કાર્યક્રમના પ્રથમ ભાગમાં ઉદ્યોગ વિભાગની વિવિધ યોજનાઓના પ્રેઝન્ટેશન સાથે બીજા ભાગમાં જુદી જુદી બેન્કો અને નાણાં સંસ્થાઓની યોજનાઓ, પ્રાકૃતિક ડાંગની પ્રણેતા કંપનીઓ, હસ્તકલા ઉદ્યોગ વિગેરેનું પ્રેઝન્ટેશન, અને પેનલ ડીસ્કસન પણ યોજાયું હતું. વઘઇ કૃષિ વિદ્યાલય ખાતે આયોજિત આ કાર્યક્રમમાં KGBVની બાળાઓએ સ્વાગત ગીત અને પ્રાર્થના રજુ કરી મહાનુભાવોનું અદકેરું સ્વાગત કર્યું હતું. KVK કેમ્પસમાં ડાંગની સ્થાનિક ચીજવસ્તુઓ, ઉત્પાદનો, બનાવટોના પ્રદર્શન-નિદર્શન સ્ટોલ્સ પણ પ્રદર્શિત કરાયા હતા. મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ આ પ્રદર્શનિની મુલાકાત લઈ અંહિની સેવા, સુવિધાઓની જાતમાહિત મેળવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application