બારડોલીના નિણત ગામે આવેલી ડેવિડો કંપનીમાં કામ કરતા કામદારની બાઈક હાઈટેક કંપનીની દીવાલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ચાલક કામદાર યુવાનનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, બારડોલી તાલુકાના નિણત ગામે આવેલી ડેવિડો કંપનીમાં કામ કરતા અને કંપનીના જ મજૂર કામદારો માટે બનાવેલી કોલોનીના રૂમમાં ઈન્દ્રેશ લલ્લુભાઈ પટેલ (ઉ.વ.૨૨, મૂળ રહે. ભોરહન,જિ.પ્રતાપગઢ (યુ.પી) પોતાના સંબંધી રમેશ પ્રેમલાલ પટેલ તથા અન્ય રાજુ શોભારામ કુંભાર સાથે રહેતો હતો.
કંપનીમાં કામ ઉપરથી બધા રૂમ પર આવ્યા બાદ રાત્રે ૧૦ વાગે ઈન્દ્રેશ પટેલ જીવન જરૂરી સરસામાન લેવા માટે સરભોણ ગામે બજારમાં જવા માટે તેની સાથેના રાજુ કુંભારની મોટરસાઇકલ લઈને નીકળ્યો હતો. ઈન્દ્રેશ પટેલ એક કલાકથી વધુ સમય થવા છતાં પરત રૂમ પર નહીં આવતા રમેશ પટેલે ઈન્દ્રેશ પટેલને મોબાઈલ ઉપર ફોન કરતા કોઈ અજાણ્યાએ ફોન ઉપાડયો હતો. તેણે જણાવ્યું કે, આ ભાઈની બાઈક નિણત ગામે હાઈટેક કંપની દીવાલ સાથે અથડાઈ છે અને તેને ગંભીર ઈજા થઈ છે. રમેશ પટેલ અન્ય કામદારો સાથે સ્થળ ઉપર પહોંચતા ઈન્દ્રેશ પટેલને સ્થળ ઉપર મૃત્યુ પામેલો જોયો હતો. બનાવ અંગે બારડોલી રૂરલ પોલીસે અકસ્માત કેસ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500