ઈરાનમાં થઇ રહેલા પ્રદર્શનો વધારે ઉગ્ર બન્યા છે. સરકાર સામે ઉઠેલો વિરોધ હવે ઈરાનના ૮૦ શહેરોમાં ફેલાયો છે. ઠેર-ઠેર પ્રદર્શનકારીઓએ ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અહી ખામેનીના પોસ્ટર્સ સળગાવીને વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. પ્રમુખ ઈબ્રાહિમ રઈસીએ મહસા અમીની નામની યુવતીના કસ્ટોડિયલ ડેથની તપાસનો આદેશ આપ્યો છે.
ઈરાનમાં ૨૨ વર્ષની યુવતી મહસા અમીનીનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. પોલીસે મહસાને હિજાબ ન પહેરવાના ગુનામાં પકડી હતી અને એ પછી તેની સાથે બેરહેમીથી મારપીટ કરી હોવાનો આરોપ લાગ્યો હતો. એ યુવતીના કસ્ટોડિયલ ડેથ પછી આખા ઈરાનમાં ભારે વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. પાટનગર તેહરાનમાં શરૂ થયેલા પ્રદર્શનો દેશભરમાં ફેલાયા છે. ઈરાનના નાના-મોટા ૮૦ શહેરોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. પ્રદર્શનકારીઓ સાથે ઘર્ષણમાં પાંચ પોલીસ કર્મચારીઓ પણ માર્યા ગયા હતા. પ્રદર્શનકારીઓ ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીના પોસ્ટર્સ સળગાવી રહ્યા છે. મહિલાઓ હિજાબ બાળીને પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહી છે. પ્રદર્શનમાં મોટી સંખ્યામાં જોડાઈ રહેલી મહિલાઓ સરકારના વિરોધમાં સૂત્રોચ્ચારો કરી રહી છે.
ઈરાનમાં ઉગ્ર વિરોધ વચ્ચે પ્રમુખ ઈબ્રાહિમ રઈસી સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદમાં ભાગ લેવા માટે અમેરિકામાં છે. મીડિયા મુલાકાતમાં ઈબ્રાહિમ રઈસીએ અમેરિકાનું નામ લીધા વગર આરોપ મૂક્યો હતો કે ઈરાનના કેટલાક દુશ્મનો દેશને આગમાં હોમી રહ્યા છે. મહસાના શંકાસ્પદ મોત અંગે તપાસનો આદેશ આપ્યો હોવાનું કહીને રઈસીએ કહ્યું હતું કે તેના મોત બાબતે સરકાર તપાસ કરશે. તે બાબતે સરકાર ટીકા સાંભળશે, પરંતુ એ બહાને હિંસા થઈ રહી છે તે બિલકુલ ચલાવી શકાય તેમ નથી. રઈસીએ વિદેશીઓના ઈશારે હિંસા થઈ રહી હોવાનું કહ્યું હતું. યુએનના મુખ્યાલયની બહાર રઈસીના વિરોધમાં પણ પ્રદર્શનો થયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500