ડેડિયાપાડાનાં AAPનાં MLA ચૈતર વસાવાએ ગતરોજ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યા બાદ આજે તેમને કોર્ટમાં લઈ જવાયા હતા જ્યાં પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. પરંતુ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. મળતી માહિતી મુજબ, ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વનકર્મીને માર મારવાના કેસમાં છેલ્લા એક મહિનાથી ભુગર્ભમાં હતા અને ગતરોજ તેમણે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. જ્યારે તેણે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું ત્યારે તેની સાથે તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને નારાબાજી શરુ કરી હતી.
આ દરમિયાન તેમના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. આ પછી તેમને ડેડિયાપાડાથી રાજપીપળા પૂછપરછ માટે લઈ જવાયા હતા અને આજે તેમને ડેડિયાપાડાની કોર્ટમાં રિમાન્ડ માટે હાજર કરવામાં આવ્યા હતા જ્યા કોર્ટે ચૈતર વસાવાના ત્રણ દિવસના પોલીસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે કોર્ટમાં 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે તારીખ 18 તારીખના 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. AAPનાં ધારાસભ્ય ચૈતર વસાવા જે મામલે ફરાર હતા તેમાં વન વિભાગે તેમના વિરુદ્ધ ફરીયાદ દાખલ કરી હતી.
જેમાં વનવિભાગના કર્મચારીઓ તરફથી ફોરેસ્ટ વિસ્તારમાં ખેડૂતો દ્વારા દબાણ કરી ખેતી કરવામાં આવતા વનવિભાગે કાર્યવાહી કરી હતી અને ખેતી કાઢી નાંખી હતી, ત્યારે આ અંગે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓને ઘરે વાતચીત કરવા માટે બોલાવ્યા હતા. જ્યારે વનવિભાગના કર્મચારીઓ તેમના ઘરે ગયા ત્યારે તેમની સાથે બોલાચાલીની સાથે માર મારી તેમને ધમકાવ્યા હતા અને ખેડૂતોને પાકના પૈસા આપવા માટે દબાણ કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. આ મામલામાં પોલીસે FIR દાખલ કર્યા બાદ તેમની પત્ની, PA અને એક અન્ય વ્યક્તિની ધરપકડ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500