મહીસાગર જિલ્લાના લુણાવાડના પતિએ બીજી પત્ની રાખવા પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપતા કોર્ટે બે વર્ષની સાદી કેદની સજા કરી દંટ રૂ.૫૦ હજારનો ફટકાર્યો છે. મળતી માહિતી મુજબ, લુણાવાડામાં શ્રીજી પાર્ક સોસાયટીમાં રહેતા આરોપી લલિત ઠાકોરે તેની પત્નીને કહ્યું હતું કે, તું ઘરમાંથી નીકળી જા અને મારે અન્ય સ્ત્રીને બીજી પત્ની તરીકે ઘરમાં લાવવાની છે કેમ કે તેણે મારા છોકરાને જન્મ આપેલો છે. પત્નીનો આક્ષેપ છે કે અન્ય સ્ત્રીની ચઢામણીથી પતિ છેલ્લા ૬ વર્ષથી શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. એક સમયે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી માર મારી ઘરમાંથી પિયરમાં કાઢી મૂકી હતી.
આ મામલે પત્નીએ પતિ લલિત ઠાકોર અને અન્ય સ્ત્રી વિરુદ્ધ લુણાવાડા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી. આ કેસ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ એમ એમ પરમારની કોર્ટમાં ચાલી જતાં પુરાવા અને સરકારી વકીલ વાય એસ ગોંસાઈની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી લલિત કુમાર શાંતિલાલ ઠાકોર,(રહે.શ્રીજી પાર્ક સોસાયટી લુણાવાડા, જી.મહીસાગર)ને બે વર્ષની સાદી કેદની સજા તથા રૂા. ૫૦,૦૦૦ નો દંડ ફટકાર્યો છે. જો આરોપી દંડ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદની સજા કરવાનો હુકમ કર્યો છે. દંડની રકમમાંથી રૂ.૪૦,૦૦૦ આરોપીના પત્નીને વળતર તરીકે ચુકવી આપવાનો હુકમ કર્યો છે તેમજ આરોપી અન્ય સ્ત્રીને શંકાનો લાભ આપી છોડી મૂકી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500